હાદા પટેલે કૂવાના ઊંડાણમાં નજર કરી તો તળિયે ગોબરનું ધડ લોહીના ખાબોચિયામાં પડ્યું હતું, ઝીણી નજરવાળા જેરામે કહ્યું કે ધડનું માથું જદું પડીને એક ભેખડમાં ભરાઈ ગયું છે.
દૃશ્ય જોઈને હાદા પટેલને તમ્મર આવ્યાં. જેરામનો ટેકો લઈને તેઓ જરા સ્વસ્થ થયા ત્યાં તો નજર સામે માંડણ આવી પહોંચ્યો.
હાદા પટેલે આ હત્યારાને મારવા હાથ ઉગામ્યો ત્યાં તો માંડણે જ સામેથી કહ્યું :
‘ગોબર વાવ્યમાં હતો ત્યાં જ સંતુએ વાટ સળગાવી દીધી ને ધડાકો થઈ ગ્યો—’
હવે તો હાદા પટેલને બેવડી ખીજ ચડી. એમણે માંડણને ઉપરાઉપર બે ત્રણ બુંહટ ખેંચી કાઢી.
‘હરામખોર ! તેં વાટ સળગાવી ને સંતુનું નામ લે છ ?’
જોરદાર હાથની લપડાક પડતાં માંડણનો બધો નશો ઊતરી ગયો. અત્યાર સુધી પોતે ચકચૂર અવસ્થામાં શાદૂળને મારી નાખ્યો હોવાનો જે સંતોષ અનુભવી રહ્યો હતો એને બદલે પોતાને હાથે ગોબરની જ હત્યા થઈ ગઈ હોવાનું ભાન થતાં હવે એણે પોતાનો બચાવ કર્યા વિના છૂટકો જ નહોતો. પોતે ઉન્માદાવસ્થામાં શાદૂળને બદલે ગોબરનું જ ખૂન કરી બેઠો છે એ સમજાતાં એનો રહ્યો સહ્યો ઉન્માદ પણ ઓસરી ગયો અને આ તહોમતમાંથી છટકવા એણે તર્ક લડાવીને બચાવ કરવા માંડ્યો :
‘ગોબર ને સંતુ આ જ બપોરે સારીપટ વઢ્યાં’તાં—’
‘વઢ્યાં’તા ? શું કામે ?’
‘મને શું ખબર ? પણ શાદૂળની કાંઈક વાત નીકળી એમાંથી બેય માણહ એવાં તો વઢ્યાં, એવાં તો વઢ્યાં કે કાંઈ વાત ન પૂછો !’
‘શાદૂળિયો તો હવે જેલમાં જઈને બેઠો છે.’
‘ઈ જેલમાં ગ્યા મોર્યની કાંઈક વાત નીકળી’તી ને એમાં બેય