પૃષ્ઠ:Liludi Dharti2.pdf/૧૬૦

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૫૦
લીલુડી ધરતી-૨
 

 ‘જો આ ડોશી આવી છે ને, ઈ તને સાચવશે.’

‘ઈ કોણ છે !’

‘તારી મા.’

‘મારી મા ?’ ગિરજાને નવાઈ લાગી. ‘મારી મા તો મરી ગઈ છે—’

‘નથી મરી; જીવતી છે—’

‘બાપદીકરા વચ્ચે આ વાતચીત ચાલતી હતી અને કાસમ ડોશી પાસેથી ચોરાઉ સોનું મેળવવા તપાસ કરી રહ્યો હતો. ડોશીના પોટલાં–પોટલી ને ગાભેગાભા વીંખી નાખ્યા પછી કાસમે નિરાશ થઈને શંકરભાઈને કહ્યું : ‘કાંઈ નથી—’

‘અરે ક્યાંક સાચવીને સંતાડેલું હશે, હાલો, એને કડી પે’રાવીને ઝાંપાની કોટડીમાં પૂરી દિયો, એટલે આફુડી સીધી થઈને હંધું ય કાઢી દેશે.’

કાસમે ડોશીને ખભે એનો સઘળો સરંજામ ચડાવ્યો, ને બાવડું ઝાલીને એને ઝાંપા તરફ દોરી; પાછળ શંકરભાઈની મોટરગાડી ચાલી, અને ગાડીની પાછળ નવરાં માણસોનું ધાડિયું ઊપડ્યું.

ઠાકરદ્વારમાં સોંપો પડી ગયો કે તુરત રઘાએ લાગ જોઈને નાગી કટારી હાથમાં લીધી.

પોતાના હાથમાંની તાતી કટાર અને એથી ય વધારે તાતી આંખો જોઈને ગિરજો પૂછી રહ્યો :

‘બાપા, બાપા ! આ શું ?’

પણ રઘા પાસે આ પ્રશ્નનો ઉત્તર નહોતો. કશો ખુલાસો કરવાનો પણ એને અવકાશ નહોતો. માંડ કરીને સાંપડેલો એકાંતનો લાભ લઈને પોતે ધારેલું કામ ઝટપટ પતાવી નાખવા એણે ઠાકરદ્વારના ગભારા તરફ નજર નોંધીને મોટેથી ‘ૐ નમ: