‘કાઢી નાખ્ય હંધા ય ઓમકાર; ગણી દે હંધાં ય માદરડાં–’
એકેક ભાઠાવાળી સાથે શંકરભાઈ ડારો દઈ રહ્યા હતા.
‘દેખાડ્ય ક્યાં સંતાડ્યાં છે હધાં ય છોકરાં ? બોલી નાખ્ય, શું ભર્યું છે આ પટારામાં ?’
ડોશીનાં ખિસ્સાં, ખિસ્સી, પોટલાં, પોટલી, ગાભા, બચકી, ચીંદરડી, ચીથરાંચીંથરી બધું ય ફેંદી નાખ્યા છતાં ઓમ્કાર કે માદરડી તો શું, પણ સોનાની ઝીણી સરખી કરચ પણ હાથ ન આવી, તેથી શંકરભાઈ નિરાશ થયા. હવે માત્ર મૌખિક દમદાટીઓ દેવા સિવાય કોઈ ઉપાય ન રહ્યો.
‘કાઢી દે હંધો ય ચોરાઉ માલ, નીકર હાડકાં રંગી નાખીશ... ચામડું ઊતરડી નાખીશ... ગોખરું ભરીને રણગોવાળિયો કરીશ... વડવાઈએ ટાંગીને હેઠે તાપ કરીશ... જંદગીભર હેડમાં ઘાલીશ... કાનખજૂરા કરડાવીશ... આખા અંગમાં ઈતરડી ભરીશ...’
આટઆટલી ધમકીઓની પણ કશી અસર ન થઈ ત્યારે શંકરભાઈને સમજાયું કે આમાં નવાણિયું કુટાઈ ગયું લાગે છે; આંધળે બહેરાં જેવો ઘાટ થયો છે. આ તો કોઈક પરદેશી ભિખારણ જ લાગે છે ને ‘દલ્લી-મુંબી’ દેખાડીને પેટ ભરતી લાગે છે. પણ આ પરદેશણ છે કયા મુલકની ? જાતજાતની ભાષા બોલે છે, કિસમ કિસમની બોલીઓ જાણે છે, મલક આખાનાં પાણી પીને આવી છે.