પૃષ્ઠ:Liludi Dharti2.pdf/૧૬૬

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૫૬
લીલુડી ધરતી–ર
 

 મળ્યું કે ડોશીને કલકત્તા તરફના કોઈક ગામમાં જેરામ મિસ્ત્રીનો ભેટો થઈ ગયેલો અને જેરામ મારફત એણે જાણેલું કે રઘાએ કોઈક અજાણ્યા છોકરાને ખોળે લીધો છે. અમથીને તુરત વહેમ ગયો. એણે અનાથાશ્રમમાં તપાસ કરી તો પોતે મૂકેલો પુત્ર જ ન મળે ! તુરત એણે ગાંસડાંપોટલાં ઉપાડ્યાં ને ‘દલ્લી દેખો બમ્બઈ દેખો’ નો ખેલ લઈને ગુંદાસર આવવા નીકળી પડેલી.

રઘાનાં લાકડાં ટાઢાં થયા પછી પણ આ નાટ્યાત્મક ઘટનાની અસર એાસરી નહિ, બલકે, થોડા દિવસ સુધી તો એના પડઘા ગામપરગામમાં પણ ગાજતા રહ્યા. અડખેપડેખેનાં ગામડાંમાંથી પણ ઘણાં ય માણસો : હટાણાનું કે એવું કોઈક બહાનું કાઢીને ઐતિહાસિક અમથીને જોવા આવી લાગતાં. ડોસી કેમ જાણે રાણીબાગનું કોઈ જનાવર હોય એમ આગંતુકો એને ટગર ટગર તાકી રહેતા. કોઈ જિજ્ઞાસુ લોકો એને પૂછતાં :

‘અમથી ! આટલાં વરહ લગણ ક્યાં હતી ?’

ડોશી જવાબ આપતી : ‘સરગાપુરીમાં—’

‘મર રે રાંડ !’ સાંભળનારાંઓ મનમાં કહેતાં : ‘તને તો રવરવ નરક કે સાતમું પાતાળે ય નહિ સંઘરે. ને વાતું મોટી સરગાપુરીની કરે છે !’

ધીમે ધીમે અમથી અંગેનું કુતૂહલ તો શમવા માંડ્યું, પણ રઘાની આત્મહત્યા તથા આ વૃદ્ધાના અણધાર્યા આગમન પાછળનો ભેદ તો ઉત્તરોત્તર વધારે ઘેરો બનતો ગયો.

રઘાએ પેટકટારી શા માટે ખાધી ? દેખાવ તો એ જ થયો હતો કે રઘો જાણે કે એક અબળાની વહારે ચડ્યો હતો અને એની રક્ષાને ખાતર પોતે પ્રાણ ન્યોછાવર કરી નાખ્યા.

‘પણ સંતુને હાંકી કાઢવાની વાત તો માંડવાળ થઈ જ ગઈ’તી. કટારી ખાધા મોર્ય જ જીવોભાઈ જઈને માફામાફી કરી આવ્યો’તો.’