પૃષ્ઠ:Liludi Dharti2.pdf/૧૭૦

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૬૦
લીલુડી ધરતી–ર
 

 સાલના બહુરૂપીઓ સાવ અજાણ્યા નીકળ્યા. આટલા વરસ જે જોડી આવતી એ તો લાંબા મહાવરાને લીધે ગામલોકોને પરિચિત થઈ ગઈ હતી. તેઓ ગમે તેવા અણધાર્યા વેશપલટા કરે તો પણ એમના હાવભાવ, બોલવાની લઢણ તથા લહેકા વડે જ લોકો એમને ઓળખી કાઢતાં, ને એમણે સર્જેલા સ્વાંગથી કોઈ ભરમાતાં–ભોળવાતાં નહિ. ત્યારે આ વેળા તો આવનારા માણસો ય નવા ને અજાણ્યા હોવાથી એમના ચહેરામહોરા વેશભૂષા, બોલચાલ, બધું જ લોકોને અપરિચિત લાગતું હતું.

તેથી જ તો આગમનને પહેલે જ દિવસે આ બહુરૂપીઓ ઘોડાં વેચનાર વણજારાનો વેશ પહેરીને ઊભી બજારે નીકળ્યા ત્યારે ઘણાખરા વેપારીઓ એમને સાચા વણજારા જ સમજી બેઠા. ભાણા ખોજાની હાટે તેઓ બેઠા, ભૂધર મેરાઈ સાથે વાતચીત કરી, અને એ બન્ને વેપારીઓને ગંધ સુદ્ધાં ન આવી શકે કે આ વેશધારીઓ છે. એમણે તો આ વણજારાઓને ઘોડાના સોદાગર જ માની લીધા.

‘આવા માઠા વરહમાં તો ઘરમાં ખાવા ધાન નથી, ને ઘોડાને નીરવાની ચંદીચણાના ય ધાંધિયા છે, એમાં ઘેર નવું ઘોડું તો કોણ બાંધશે ?’ ભૂધર મેરાઈએ ચિંતા વ્યક્ત કરી.

આવા ભોળાભટાક માણસો પ્રત્યે બહુરૂપી મૂછમાં હસતા હસતા દરબારની ડેલી તરફ વળ્યા.

‘ક્યાં ગયા દરબાર તખુભા ? ઊંચી તોખમના ઘોડાના ઘરાક ક્યાં ગયા ? અસલ અરબી ઓલાદ... મખમલ જેવી રૂંવાટીવાળી પવનવેગીના પલાણનાર ક્યાં ગયા ?’

‘દરબાર તો કે’દુના મંડવાડમાં ખાટલે છે—’ ઠકરાણાંએ જવાબ આપ્યો. પણ એમને ગંધ સરખી ન આવી કે આ તો બહુરૂપી છે.

વણજારાઓ દરબારના મંદવાડના સમાચાર સાંભળીને જાણે કે સગો બાપ મરવા પડ્યો હોય એવો ખરખરો, ને ઝીણી–મોટી અનેક પૂછગાછ કર્યા પછી માંડમાંડ ડેલીની બહાર નીકળ્યા.