પૃષ્ઠ:Liludi Dharti2.pdf/૧૭૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
મારી આંખનાં રતન
૧૬૧
 

 વળતે દિવસે કાશીથી વેદ ભણીને આવેલા પંડિતનો વેશ કાઢ્યો. ગુંદાસરની સાંકડી બજારમાં શિખાધારી ત્રણ શાસ્ત્રજ્ઞો ગીર્વાણગિરાની અસ્ખલિત ધારા વહાવી રહ્યા. અભણ ખેડૂતો સમક્ષ તો આ ભેંશ આગળ ભાગવત જેવો ઘાટ થઈ ગયો, છતાં ભોળુડાં ગામલોકોને કલ્પના પણ ન આવી કે આ સાચા પંડિતો નહિ પણ બહુરૂપી છે. ખેડૂતોએ તો માત્ર આટલી જ ટકોર કરી : ‘આ માઠા વરહમાં કાશીમાં ય દાણાનો દકાળ હશે તી આવા વેદવાનને ઠેઠ આયાંકણે માગવા આવવું પડ્યું—’

ત્રીજે દિવસે ત્રણ ફકીરો હાથમાં ભિક્ષાપાત્ર લઈને ‘દે ઉસકા ભલા, ન દે ઉસકા ભી ભલા !’ કરતા ઊભી બજારે નીકળ્યા ત્યારે લોકોને વહેમ ગયો કે રોજ ઊઠી ઊઠીને ત્રિપુટીમાં જ નીકળતી આ વ્યક્તિઓમાં કશોક ભેદ છે. જમાનાના ખાધેલા ઓઘડભાભાએ ઈશારો કર્યો કે આ સાચા ફકીર નથી, ત્યારે લોકોને શંકા ગઈ કે રખેને આ બહુરૂપી હોય !

‘સાંઈ ! જુસ્બા ઘાંચીને ઘેરે જાવ, સાંઈ !’ કોઈએ વેશધારીઓની મજાક કરી.

અને ત્યારે જ બહુરૂપીઓ પણ મનમાં મલકી ઊઠ્યા : ‘આખરે આપણને ઓળખનાર નીકળ્યાં ખરા !’

બહુરૂપીઓ એાળખાયા ખરા પણ અપરિચિત લાગવાથી લોકો એમાંથી કશું મનોરંજન મેળવવાને બદલે એમનાથી ભડકતા જ ૨હ્યા.

‘આ વરહોવરહ આવે છે ઈ માંયલા નથી લાગતા—’

‘એની સિકલ જ કહી દિયે છે કે આ કો’ક પરદેશી છે.’

‘પરદેશી બહુરૂપીને આપણે શું કામે લાગો આપવો ? આનાં મોઢાં ભરશું તો ય ઓલ્યા કાયમવાળા તો આવીને ઊભા જ રે’શે, ને એને તો ના ય નહિ કે’વાય.’