પૃષ્ઠ:Liludi Dharti2.pdf/૧૭૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
મારી આંખનાં રતન
૧૬૫
 

 અશરણશરણ સમા જીવા ખવાસને તેડાવ્યો ને પોતાની લાક્ષણિક શૈલીમાં હુકમ કર્યો :

‘શાદૂળને ‘મારો’ કેનારી ઈ કભારજાનો કાંટો કેમે ય કરીને કાઢ્ય !’

‘ન નીકળે, બા ! કેમે ય કરીને ન નીકળે—’

‘કારણ કાંઈ ?’

‘અટાણે આપણી માથે સરકારની રાતી આંખ્ય થઈ છે. બાપુ દેવ થઈ ગ્યા છે, ને બાપુને સાટે પંચાણભાભો મરી ગ્યાની વાત હાંકી છે, એવી સરકારી કોઠીમાં કો’કને ગંધ્ય આવી ગઈ લાગે છે.’

‘સાચે જ ?’

‘હા. ઓલ્યા બહુરૂપી આંયકણે ડેલીએ ઘોડા વેચવા આવ્યા’તા એમાં કાંઈક ભેદ જેવું લાગે છે.’

‘મૂવા મારાં પિયરિયાંનાં સગલાં હોય એવા વહાલા થઈ થઈને હંધુ ય પૂછતા’તા તો ખરા !’

‘ક્યે છ કે ઈ તણ્ય જણામાં એક તો એજન્સીની કોઠીનો મોટો અમલદાર હતો—’

‘મરે રે મૂવો ! આપણાં ગામમાં શું કામે આવ્યો’તો ?’

‘ઈ નીકળ્યો તો છે ખોટા રૂપિયા પાડવાનું મિશીન પકડવા.’

સાંભળીને ઠકરાણાં ઝાંખાંઝપ પડી ગયાં. માંડ માંડ બોલી શક્યાં : ‘આપણી વાડીએ—’

‘વાડીઢાળા ઈ આવ્યા’તા તો ખરા, સાવ અજાણ્યા થઈને. પણ હું શું પાણીને ભૂ કહું એવો ભોળો થોડો છું ? એના આવ્યા મોર્યમાં જ મેં હંધાં ય મિશીન આઘાંપાછાં કરી નાખ્યાં’તાં—’

‘તો ઠીક.’

‘એને સગડ તો કાઢવો’તો સોનાનો—’

‘સોનું ?’ સમજુબા બોલી ઊઠ્યાં. ‘સાચું સોનું કે ઓલ્યું સલાયાવાળું ?’