પૃષ્ઠ:Liludi Dharti2.pdf/૧૭૮

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
પ્રકરણ વીસમું

ઝમકુનો કોયડો

ઊજમના ઉદ્વેગનો પાર નથી. સંતુએ સડસડતા તેલની કડામાં હાથ બોળ્યા એ ઘડીથી જ એની આંખ ઊઘડી ગયેલી. તાવડામાં ઊકળતા ધગધગતા તેલની અગનઝાળ સંતુને લાગી હતી પણ એની વેદનાની ચોટ જાણે કે ઊજમે અનુભવી હતી.

આંખના પલકારામાં જ ઊજમને સમજાઈ ગયું કે સંતુ સાચી છે, હું ખોટી છું; સંતુ ઉપર કલંકારોપણ કરવામાં મેં ભૂલથાપ ખાધી છે. મારી સ્ત્રીસહજ શંકિત મનોદશાએ સંતુને પારાવાર અન્યાય કર્યો છે. વહેમીલા લોકમાનસથી ભરમાઈને મેં દેરાણીને દુષ્ટાતિદુષ્ટ લેખી. એનાં સતનાં આવાં આકરાં પારખાં થયાં ત્યાં સુધી મારી આંખ જ ન ઊઘડી ? મારી આંખ ઉપર પાખંડનાં એવાં તે કયાં ઘેરાં પડળ બાઝ્યાં હતાં કે એને ઓગાળવા માટે ઊકળતી કડાની જ્વાળાની જરૂર પડી ?

ઊજમ પોતાના એકલીના જ અપરાધનું નહિ પણ અજ્ઞાનતિમિરાંધ આખા ય ગામના અપરાધનું પ્રાયશ્ચિત્ત કરી રહી છે. અગ્નિદિવ્યની વેદના સંતુએ સહન કરી છે, પણ અશ્રુપ્રવાહ ઊજમની આંખમાંથી વહી રહ્યો છે. દેરાણીના સડસડી ગયેલા અને હાથ ઉપર સવારસાંજ એ પાટાપિંડી કરે છે ને મનમાં ને મનમાં વસવસો અનુભવે છે. હાય રે, હું તે કેવી જડભરથ કે તારા જેવી જોગણીના અવતાર સમીને ઓળખી જ ન શકી ? હું એવી તે કેવીક કાચા કાનની કે હંધાય ગામગપાટાને સાવ સાચા જ માની લીધા ?