પૃષ્ઠ:Liludi Dharti2.pdf/૧૮૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૭૪
લીલુડી ધરતી–ર
 


ઊતરવા પામેલો નહિ; બલકે, લોકાચાર અનુસાર જે શોકના દિવસો ગણાય એ દરમિયાન, તો ઝમકુને આંગણે મહીમહેમાનો ને મિષ્ટાન્નોનો મારો જ ચાલેલો. તાવડામાં લોટ સાથે ઘી શેકાય ત્યારે એની નાક ભરી દેતી સેાડમ નવેળામાં થઈને ઠુમરની ખડકી સોંસરવી શેરીમાં પૂગતી અને ત્યારે પડોશીઓ ટકોર પણ કરી લેતાંઃ ‘ગિધો જીવતાં તો ઝમકુડીનું પેટ બાળીને ગ્યો છ, પણ હવે તો બચાડી ધરાઈને ધાન ખાશે.’

‘હાય રે ! આજે મારો ધણી જીવતો હોત તો મારે આવા એશિયાળા દી તો ન આવત !’ ઝમકુએ આખા સંભાષણને અંતે ફરી વાર આરંભમાં મૂકેલો એવો જ ઠૂઠવો મૂક્યો. ‘માથાનો મોડ ગ્યો ને હવે મારે છતી મૂડીએ માગ્યો રોટલો ખાવાનું ટાણું આવ્યું. હવે તો ભગવાન ઝટઝટ તેડું મોકલે તો આમાંથી છૂટું...’

ઝમકુની પતિવિયાગની વ્યથા, પરાવલંબની વેદના તથા સંસાર પ્રત્યેના નિર્વેદ અંગેનાં આ ત્રિવિધ કથનો એકીશ્વાસે ઉચ્ચારણ પામ્યાં તેથી ઊજમના મનમાં રહેલો ગૂંચવાડો વધારે ગૂંચવાયો. આ સ્ત્રી ખરેખર શું કહેવા માગે છે ? પતિવિયોગથી એને વ્યથા થઈ છે કે આનંદ થયો છે?

સામાન્યતઃ સૂનમૂન બનીને બેઠી રહેતી સંતુને પણ ઝમકુની આ કથની કોયડા સમી લાગી. આ વિધવા ગૃહિણીનું માનસ–વહેણ કઈ દિશામાં વહી રહ્યું છે ?

‘દામલો મર ની મને કીધા કરે કે નાતરે જા. પણ મારે જીવતરને થીગડું મારીને નાતમાં નાક નથી કપવવું.’

ઝમકુએ વળી મૂળ વાતનો તંતુ સાંધ્યો તેથી ઊજમને કશોક વહેમ આવ્યો.

સંતુ ભયભીત નજરે એના તરફ તાકી રહી.

‘હું હવે કાંઈ નાની બાળ થોડી છું કે બીજું ઘર કરવા જાઉં ? આ સંતુ કાલ્ય સવારે નાતરે જશે તો શોભશે, પણ મારે