પૃષ્ઠ:Liludi Dharti2.pdf/૧૮૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
જીવતરમાં થીગડાં
૧૭૯
 


ચડાવવાની ક્રિયા ગુપ્ત રાખવા પાછળનો ઝમકુનો આશય પણ એને સમજાયો. એક સ્ત્રી આવું વર્તન આચરી શકે એ કલ્પના જ સંતુને માટે અસહ્ય હતી, ત્યાં એવા આચરણની વાસ્તવિક પ્રતીતિ એને વધારે વિષાદ પ્રેરે એમાં શી નવાઈ ?

ઝમકુ ‘રોયા દામલા’ સામે જે ફરિયાદો કરી ગયેલી એનાં વિવિધ સંસ્કરણો ગામમાંથી વિવિધ સ્થળોએથી સંભળાવા લાગ્યાં, ત્યારે ઊજમને ખાતરી થઈ કે ઝમકુ ભોળી નથી પણ કપટી છે. ભૂધર મેરાઈને હાટે કડિયાની તૂટેલી કસ ટૂંકાવવા ગયેલા હાદા પટેલ બે સમાચાર સાંભળતા આવ્યા : ઝમકુને એનો ભાઈ પરાણે નાતરે મોકલે છે અને સંતુને શાપરવાળા પટેલના ઘરમાં બેસવું છે પણ સસરો ૨જા નથી આપતો.

ઝમકુનું વિચિત્ર વર્તન જાણી લીધા પછી ઊજમને કે હાદા પટેલને આવા ગામગપાટાથી બહુ આઘાત થાય એવું રહ્યું નહોતું. એમને તો જાણવા મળ્યું કે ઝમકુ ઘેરઘેર જઈને પોતાની વીતકકથા અને સંતુની વગોવણીનું પારાયણ કરી આવે છે. ઊજમ પાણીશેરડે ગઈ ત્યારે એકબે સ્ત્રીઓએ તો આ સમાચારની સત્યાસત્યતા અંગે ખાતરી કરી જોવા એને મભમ પૂછગાછ પણ કરી જોઈ.

ઝમકુ પોતાની વીતકકથા ગામનાં ખસૂડિયાં કૂતરાને પણ સંભળાવે એ તો સમજી શકાય; પણ સાથે સાથે સંતુના સંભવિત પુનર્લગ્ન વિશે પણ, શા માટે ટમકો મૂકતી ફરતી હશે એ જ ઊજમને મન એક કોયડો બની રહ્યો.

પોતાની નાનમ ઢાંકવા માટે સંતુને ઢાલ તરીકે વાપરતી ઝમકુએ થોડા જ દિવસમાં વાત એટલી હદે વધારી મૂકી કે ગામમાં છડેચોક બોલાવા માંડ્યું :

‘સંતુ નાતરે જાય છે, ને એને માંડણિયાના ઘરમાં જ બેસવું છે.’

‘માંડણિયો છૂટે એટલી જ વાર. એના આવવાની જ વાટ જોવાય છે—’