હાથિયા પાણા સુધી આવ્યો હશે ? ઝમકુ ઘેરથી પગપાળી નીકળીને હાથિયે પાણે પહોંચી હશે ? અગાઉની કોઈ સંતલસ મુજબ બંનેએ આ સ્થળે મળવાનું નક્કી કર્યું હશે ?
‘સાંઢિયો આપણી સીમમાં આવે જ શું કામે ને ?’
'આ કાસમ પસાયતાનું જ સાવ પોલાળું છે, નીકર અજાણ્યો સાંઢિયો ગામની સીમમાં આવીને જાતો રિયે શેનો ? આજ તો ઝમકુડીને ઉપાડી ગ્યો, કાલ સવારે ગામ લૂંટાઈ જાશે તો ય ખબર્ય નહિ પડે.’
અને પછી તો વખતીએ ગામમાં વાત વહેતી મૂકી દીધી : ‘ઝમકુડી તો સાંઢિયો પલાણીને ભાગી ગઈ !’
‘આનું નામ જ અસ્ત્રીચરિતર ! દીઠ્યે તો બચાડી કેવી ગરીબડી જેવી લાગતી’તી ! પણ પેટનાં જણ્યાંની ય દયા ન આવી ને રાત્ય લઈને નીકળી પડી !’
’આનું નામ જ કળજગનાં એંધાણ. મા–છોરું વચાળે હેતપ્રીત ન રિયે, એનું નામ જ કળજગ. આમાં ઉપરવાળો વરસાદ તો શેનો વરસવા દિયે ? માણહ જાત્યનાં આવાં કૂડાં કરતક જોતાં તો બાર બાર વરહના સળંગ દકાળ પડવા જોઈએ.’
‘છપનિયા કાળમાં આવું થ્યુ’તું, એમ નજરે જોનારા ઓઘડ ભૂવો કિયે છે. ઈ કાળમાં માવડીએ સગાં છોકરાંને વછોડ્યાં’તાં ગવતરીએ પોતાનાં વાછરું વછોડ્યાં’તાં... આનું નામ જ કળજગનાં એંધાણ !’
આ ‘કળજગનાં એંધાણ’થી મુખી એવી તો ભોંઠ૫ અનુભવી રહ્યા હતા કે એમણે કાસમ પસાયતાને તાકીદ કરી કે પાતાળ ખોદીને ય ઝમકુનું પગેરું કાઢો.
દામજીએ રીતસરની ફરિયાદ નોંધાવ્યા પહેલાં જ કાસમે ખાસ કાસદ મોકલીને તાલુકે ફોજદાર કચેરીએ ખબર આપી દીધા હતા. શંકરભાઈએ લગભગ આખા પંથકના પોલિસ પટેલોને સાબદા