બાબતોમાં લોકો ઈર્ષા, અસૂયા, ખટપટ, હોંસાતૂંસી, કૂથલી અને નિંદાખોરી વગેરેથી પીડાતાં હતાં. કોઈ કોઈ વાર અંગત સ્વાર્થથી પ્રેરાઈને તેઓ અમાનુષિતાની હદે વર્તતાં. છતાં એકંદરે જનપદનો આત્મા હજી જાગૃત હતો, માનવતા છેક મરી પરવારી નહોતી.
તેથી જ, મુખીએ બાજરાની ગુણ ને ગોળનું માટલું મોકલાવ્યાં કે તુરત ગામ આખાએ ઝમકુનાં અનાથ બાળકોને પોતાનાં ગણીને અપનાવી લીધાં. સહુએ પોતાના ગજાસંપત પ્રમાણે મદદ કરવા માંડી. કોઈ પોતાની વાડીએથી ઊતરેલું શાકપાંદડું આપી જાય, તો કોઈ કઠોળનો ઢગલો કરી જાય. હાદા પટેલે તાજેતરમાં પૂંજિયા ઢેઢ પાસે વેજું વણાવેલું એમાંથી બાર હાથ ગિધાનાં બાળકોને વેતરી આપ્યું. અલબત્ત, ગિધાએ એક વેળા જમાવેલ ધમધોકાર વેપાર તો હવે ફરી હાથ કરવાનું શક્ય જ નહોતું; છતાં, દામજી જેમતેમ કરીને ‘રોટલા કાઢતો થાય, એ ઉદ્દેશથી મુખીએ એને ગામના ચોરાની માલિકીની એક નાનકડી ઓરડી કાઢી આપી, અને ત્યાં ચપટી મૂઠી માલ ભરીને દામજીને નાનીસરખી હાટડી મંડાવી દીધી. જીવા ખવાસની જબરજસ્ત દુકાનની સ્પર્ધામાં આ બાબા જેવડી હાટડી ટકવી મુશ્કેલ હતી છતાં દામજીને સુપાત્ર જાણીને લોકોએ સહકાર આપવા માંડ્યો.
આમ, નાનપણમાં જ માબાપથી વિખૂટાં પડેલાં આ બાળકો પર ગામ આખું વાત્સલ્ય વરસાવી રહ્યું હતું. એવામાં જ માંડણિયો તાલુકાની જેલમાંથી છૂટીને આવ્યો.
આવતાંની વાર જ માંડણિયે તોપના ધડાકા જેવા સમાચાર આપ્યા :
‘ઝમકુ તો સતાપરવાળા શિવાભારથીના ઘરમાં બેઠી છે.’
‘તને કોણે કીધું ? તને ક્યાંથી વાવડ ?’
‘સતાપરનો એક ખાંટ ખૂનના કેસમાં તાલુકાની જેલમાં આવ્યો, એણે વાવડ દીધા.’
*