પૃષ્ઠ:Liludi Dharti2.pdf/૨૦૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

પ્રકરણ ત્રેવીસમું

ડાઘિયો ભસ્યો

આરંભમાં તો માંડણની વાત ઉપર કોઈને વિશ્વાસ ન બેઠો.

‘એલા હોય નહિ હોય ! ક્યાં પડ્યું સતાપર ને ક્યાં આપણું ગુંદાહર !’

‘ઓલ્યે ખાંટડે માળે સાવ ટાઢા પોરની હાંકી લાગે છે.’

‘ક્યાં લોટમગાની નાત્યનો શિવોભારથી ને ક્યાં ઝમકુ ! આ તો લંકાની લાડી ને ઘોઘાનો વર જેવી વારતા કરી માંડણિયે—’

કેટલાંક પરગજુ માણસોએ તો ઝમકુ વિષે આવો નામોશીભર્યો ગપગોળો હાંકવા બદલ માંડણને ધમકાવ્યો પણ ખરો, ત્યારે માંડણે સામું પૂછ્યું :

‘ગુંદાહરમાં ઝમકુ નામવાળી એક જ હતી કે હજી છે બીજી કોઈ ?’

‘એક જ હતી સાત ખોટની.’

‘તો બસ. ઈ સતાપરના શિવાભારથીના ઘરમાં બેઠી તનકારા કરે છે.’ માંડણે વિશ્વાસપૂર્વક ઉમેર્યું, ‘શિવોભારથી એક અંધારી રાત્રે સાંઢિયો લઈને આપણી સીમમાં આવ્યો’તો, ને ઝમકુ સંતાતી સંતાતી સામી ગઈ’તી. કિયો કે હા—’

‘હા, હાથિયે પાણે કો’કનો સાંઢિયો આવ્યો તો ખરો—’

‘કો’કનો નહિ, શિવાભારથીનો જ.’ હવે માંડણે પોતે સાંભળેલી વધારે વિગતો રજૂ કરવા માંડી : ‘ને ઝમકુ ઘરમાંથી હંધુય વણીચૂણીને બચકી બાંધતી ગઈ છે. કિયો કે હા—’