ચિહ્નો ન દેખાયાં ત્યારે તો નથુસોનીએ એક બપોરે ભરબજારમાં જ માંડણને પાંચ–સાત માણસોનાં સાંભળતાં જ પૂછી નાખ્યું :
‘એલા, હવે સંતુને હાથે કે’દી રોટલા ઘડાવવા છે ?’
‘સંતુ તો મારી માને ઠેકાણે છે. નથુકાકા ! મોઢું સંભાળીને બોલજો !’
શ્રોતાઓને પ્રશ્ન કરતાં ય એનો જડબાતોડ જવાબ વધારે રસપ્રદ લાગ્યો.
ખસિયાણો પડી ગયેલો નથુસોની બબડતો રહ્યો :
‘જોયો હવે માનો મોટેરો દીકરો ! માળા હાળાવ મોઢેથી બોલવામાં જ શૂરા... દીદાર દરવેશના, ને કરતૂક કાબાનાં... કળજગ છે કળજગ.’
અને બજારમાંથી શેરીમાં ને શેરીમાંથી ઉંબરે ઉંબરે વાત પહોંચી.
‘માંડણિયે સંતુને મા કીધી ! માંડણિયે સંતુને મા કીધી !’
ઠેઠ ઠુમરની ખડકી સુધી વાત પહોંચી ‘માંડણિયે સંતુને મા કીધી !’
ઊજમે ઉત્તર વાળ્યો :
‘લખમણજતિને મન તો સીતા મા જ ગણાય ને ! એમાં નવી વાત શું કીધી ?’
***
એક પાછલી રાતે માંડણ ભૂતેશ્વરની ભજનમંડળીમાંથી આવીને ખડકીને એક ખૂણે ખાટલામાં પડ્યો હતો.
આખું ગામ નિદ્રાધીન હતું. સદા ય જાગતા રહેતો ડાઘિયો કૂતરો પણ ખડકી બહાર પગથિયે આંખ મીંચીને પડ્યો હતો.
એક માત્ર માંડણની આંખમાં ઊંઘ નહોતી. એના મગજમાં હજી પણ ભજનમંડળીએ ચગાવેલી ભજનની રમઝટ ગુંજતી હતી. દાસી જીવણ અયે દેવાયત પંડિતની શબ્દાવલિઓના સૂર માંડણના