પૃષ્ઠ:Liludi Dharti2.pdf/૨૦૭

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ડાઘિયો ભસ્યો
૧૯૭
 


એકાએક અવાજો બંધ થઈ ગયા.

ખલેલ પતી ગઈ છે, એવું આશ્વાસન લઈને માંડણે નિરાંત અનુભવી અને હવે સૂરજ ઊગે એ પહેલાં થોડી વાર જંપી જવા એણે પડખું ફેરવ્યું, ત્યાં તો હળવેથી ઊઘડતા કમાડના ચણિયારાએ ચડડડ અવાજ કરીને ચાડી ખાધી.

માંડણે નથુસોનીના ઘરના ઉંબરા ઉપર નજર નોંધી તો કાળાડીબાણ અંધકારમાં હાથમાં હરીકેન ફાનસ લઈને એક પુરૂષ બહાર આવ્યો. એની પાછળ એક પ્રૌઢ સ્ત્રી હાથમાં કશુંક લપેટીને નીકળી.

પુરુષે કોઈ જ અત્યારે પોતાને નિહાળતું નથી, એની ખાતરી કરીને ખડકી ઉઘાડી અને ચોર–પગલે બન્ને જણ ચોંપભેર બહાર નીકળી ગયાં.

પણ કમનસીબે ખડકીને પગથિયે જ સૂતેલા ડાધિયાએ ડાંઉ ડાંઉ કરીને શાંત વાતાવરણમાં ખલેલ કરી. એનો ભસવાનો અવાજ નિરવ રાતે અનેકગણો વધારે ઉગ્ર લાગ્યો.

માંડણે કાન સરવા કર્યા.

પેલા પુરુષે ડાઘિયાને શાંત પાડવા પરિચિત બુચકારા બોલાવ્યાં અને એ મૂંગું પ્રાણી કોઈક અંતરગત ઊંડી સમજદારીથી પૂછડી પટપટાવતું એની પાછળ ચાલ્યું.

માંડણને આ આખી ય હલચલ ભેદભરી લાગી, ખડકી ઉઘાડીને એ પગથિયે પહોંચ્યો. જોયું તો પેલાં સ્ત્રીપુરુષ ઉતાવળે પગલે આઘાં નીકળી ગયાં હતાં. ડાઘિયો જાણે કે એમનાં પગલાં દબાવતો એમનું પગેરું કાઢી રહ્યો હતો.

ખાસ્સો કલાકેક વીતી ગયા પછી સ્ત્રીપુરુષ પાછાં આવ્યાં. ઠાંસોઠાંસ અંધકારથી ભરેલા ફળિયામાં માંડણની હાજરી જ નથી. એમ સમજીને એમણે નચિંત બનીને ખડકીનાં કમાડ ઠસાવ્યાં, ને વિશેષ નચિંત બનીને પોતાના ઘરમાં ઘૂસી ગયાં.