પૃષ્ઠ:Liludi Dharti2.pdf/૨૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
અપરાધ અને આળ
૧૧
 

ઊતર્યો. ખાંડિયા–બાંડિયા બળદો ગોબર અને હાદા પટેલ સિવાય બીજા કોઈના ડચકારાને ઓળખતા જ નહિ, તેથી હાદા પટેલને જ અત્યારે વરત ઉપર બેસવું પડ્યું.

મૃતદેહને સુવાડવા માટે પડખેની એક વાડીમાંથી કોઈનો ખાટલો લાવવામાં આવ્યો. વાવને તળિયેથી ગોબરનું ધડ અને માથું એકઠાં કરીને કોસમાં ગોઠવ્યાં, અને હાદા પટેલને પૈયે હાલવાની હાકલ થઈ.

દુખિયા પિતાએ ગળગળે સાદે બળદને ડચકાર્યો, પણ બળદે એ અપરિચિત અને ગદ્‌ગદ્ સ્વરે ઉચ્ચારાયેલ વિચિત્ર ડચકારો ગણકાર્યો જ નહિ.

હાદા પટેલે ફરી વાર ડચકારો કર્યો, પણ આ મૂંગા જીવો પોતાના તરુણ પાલનહારના મૃતદેહ ખેંચવાને નારાજ હોય એવું લાગ્યું. આખી વાડીમાં પથરાઈ ગયેલી મૃત્યુમીંઢી ગમગીની આ ચોપગાં પશુઓને પણ જાણે કે સ્પર્શી ગઈ લાગી.

આખરે હાદા પટેલે ન છૂટકે એક જુવાનના હાથમાંથી પરણો માગીને આ પ્રાણીઓને ઘોંચવો પડ્યો, ત્યારે જ તેઓ ધીમે ડગલે આગળ વધ્યાં.

કોસ થાળા નજીક આવ્યો ત્યારે ચાર માણસોએ મળીને ગોબરનું લોહીનીંગળતું ધડ ઉંચકી ખાટલા પર સુવાડ્યું અને બાજુમાં એનું બેડોળ બની ગયેલું માથું મૂક્યું ત્યારે એ કમકમાં પ્રેરનારું દૃશ્ય જોઈને હાદા પટેલની આંખે અંધારાં આવી ગયાં. તમ્મર ખાઈને તેઓ નીચે પટકાઈ પડ્યા.

કાસમ પસાયતાએ કહ્યું : ‘શાપરથી શંકરભાઈ ફોજદારને બરકવા પડશે. એની હાજરીમાં પંચક્યાસ કર્યા વિના લાશનો કબજો નહિ સોંપાય.’

*