પૃષ્ઠ:Liludi Dharti2.pdf/૨૧૦

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૦૦
લીલુડી ધરતી-૨
 


અચરજ કોને કહેવું ? આ તે કોઈ પરીકથાનો કિસ્સો છે કે સાચી ઘટના ?

‘આ ઘરમાં આનાં અન્નજળપાણી લખ્યાં લાગે છે. ઈ વન્યા, વગડામાંથી આ ઊંબરે પાછું શું કામે આવે ? લઈ લ્યો !’ માંડણ વીનવી રહ્યો.

‘મા ! લાવ્ય ઝટ, પાછું લાવ્ય ઝટ !’ અંદરથી જડીએ ઉત્સુકતાભેર આજીજી કરી.

આ વખતે પુત્રીને ધમકાવી કાઢવાની અજવાળીકાકીમાં હિંમત રહી નહોતી.

હરીકેનની વાટ હજી ય વધારે સતેજ કરીને એમણે બાળક તરફ જોયું. ટચૂકડા ટચૂકડા હાથ હવામાં ઉલાળીને જાણે કે માતાની વત્સલ ગોદ એ માગી રહ્યું હતું.

‘લ્યો, આ તો દીકરી, એટલે લખમીમાતાનો અવતાર ગણાય.’ માંડણ હજી વીનવતો હતો. ‘આને જાકારો ન દેવાય. આને તો જલમતાંવેંત જ નવો જલમ જડ્યો એમ ગણો !’

અજવાળીકાકી શિયાંવિયાં થઈ રહ્યાં. માંડમાંડ બોલી શક્યાં :

‘આ.... આ..... પાછી કેમ કરીને આવી ?’

‘ભગવાને જ મોકલી એમ ગણોની ! ડાઘિયો મોઢામાં ઘાલીને આપણી ખડકી લગણ લઈ આવ્યો. જિવાડવાવાળો તો ઉપર હજાર હાથવાળો બેઠો છે ને !’

‘સાચે જ આને ડાઘિયો લઈ આવ્યો ?’ અજવાળીકાકીને હજી ય મનમાં સંશય હતો.

‘આ જુવોની ડિલ ઉપર ડાઘિયાની દાઢું ઊઠી આવી છે ઈ ! બચાડે પોચે દાંતે ઉપાડી હશે, તો ય ઈ તો કૂતરાની દાઢું. રાતાંચોળ ચાંભાં ઊઠી આવ્યાં છે છોકરીને !’

‘મુવો ડાઘિયો ! ઠેઠ હાથિયા પાણા લગણ મારી વાંહે ને વાંહે... વાંહે ને વાંહે... જરા ય ખહે નઈં રોયો !’