પૃષ્ઠ:Liludi Dharti2.pdf/૨૧૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૦૪
લીલુડી ધરતી-૨
 

ચડે—’

‘કાળી ટીલી નહિ ચડવા દઉં, કાકી !’ માંડણે એકાએક નિર્ણય બદલી નાખ્યો અને સધિયારો આપ્યો :

‘વાને કાને ય વાત નહિ જાય, તમતમારે બેફિકર રિયો, કાકી ! જડકીબેનના જીવતર ઉપર ડાઘ નહિં લાગવા દઉં.—’

‘કેવી રીતે ?’

‘તમે જ અબઘડીએ કીધું ને, એવી રીતે, આ છોકરીને ગામમાંથી આઘી લઈ જાઉં છું.’

‘ક્યાં લઈ જઈશ ?’

‘એની તમારે શું ચંત્યા ? હું એને એવે ઠેકાણે રાખીશ, કે કોઈને કાંઈ ગંધ્ય જ ન જાય—’

‘સાચે જ, ગગા ?’

‘હા, આ ફૂલને હું જતન કરીને જાળવીશ, ને ઉઝેરીશ.’

‘પણ માડી ! તું ઘરબાર, ગામ—’

‘હંધું ય મેલીને જાઉં છું—’

‘ક્યાં કણે ?’

‘જ્યાં આ ફૂલનાં નસીબ જોર કરીને દોરી જાશે ઈયાં કણે—’

‘ગગા માંડણ ! અટાણે તારા જેવો ભલો તો અમારે મને ભગવાને ય નહિ. તારો તો જેટઓ ગણ માનીએ એટલો ઓછો, અજવાળીકાકીએ વિવેક કરીને ઉમેર્યું, ‘પણ માડી ! તું પંડ્યે રિયો દખિયો જીવ, તારું જીવતર બળ્યુંઝળ્યું એમાં તું આ પારકી પળોજણ વો’રીને વધારે દખ કાં વોર્ય, મારા વીર ?’

‘આ દખ નથી વોર’તો, કાકી ! તમારી વાત સાચી કે હું દખિયો જીવ છું ને મારું જીવતર બળેલુંઝળેલું છે. મેં મારે હાથે સગા પિતરાઈને માર્યો છે; મારે પાપે મારી બાયડી બળી મરી છે, આ હંધાં ય કરતૂક મને માલીપાથી કરકોલી ખાય છે. હવે મનમાં થાય છે કે હત્યા તો બવ કરી, પણ હવે આવા એકાદ ફૂલને મરતું