પૃષ્ઠ:Liludi Dharti2.pdf/૨૧૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
વસમો વેરાગ
૨૦૭
 


‘મારે વાલીડે ફરી દાણ કાંઈક કબાડું કર્યું લાગે છે. ઈ વન્યા આમ ગામમાંથી પોબારા ગણી જાય એવો પોમલો ઈ જણ નથી.’

‘હશે કાંઈક દાળમાં કાળું. ગામમાં રે’વું જ ભોંયભારે થઈ પડ્યું હશે, એટલે હાલી નીકળ્યો હશે.’

‘ક્યાંક સાંપટમાં સલવાણો હશે, એટલે આઘોપાછો થઈ ગયો છે. માથેથી ભાર ઓછો થાશે એટલે આફુડો પાછો આવતો રે’શે.’

મુખી ભવાનદાએ તો કંટાળીને ટકોર કરી પણ ખરી :

‘એલા, આ ગામનું શું થાવા બેઠું છે ? રોજ ઊઠીને કો’ક રાત્ય લઈને ભાગે છે, રોજ ઊઠીને ભાગે છે ! ઓલી ઝમકુડીનો માંડ કરીને સગડ કાઢ્યો, ત્યાં તો આ માંડણિયો ભાગ્યો. હું તી કેટલાંકના સગડ સાચવવા બેસું ! પગેરાં કાઢનારો મૂળગરિયો એક ને ભાગનારાં ઝાઝાં—’

ગામમાં બનતી કોઈ પણ ઘટના વિશે બેફામ ટીકાટિપ્પણો કરનારાં અજવાળીકાકીની જીભ આ વખતે સાવ સિવાઈ ગઈ છે. વિચિત્રતા તો એ થઈ છે કે માંડણના એક ફળિયે જ રહેનારાં પડોસી તરીકે, બધી જ પૂછપરછ ફરતી ફરતી આખરે અજવાળીકાકીને આંગણે આવી ઊભતી અને એમને હોઠે તો માંડણિયાના ઘર પર ટિંગાતા ખંભાતી તાળા જેવું જ એક અદૃષ્ટ તાળું લાગી ગયું હતું.

‘ભગવાન જાણે ક્યાં ગયો હશે. આવડો મોટો મલક પડ્યો છે. માંડણિયો તો એકલપંડ્યે માણસ, એને ઉલાળ–ધરાળ થોડા હોય ? એને તો કાંધે કોથળો ને મલક મોકળો... ઊતરી ગયો હશે ક્યાંક આઘો આઘો—’

અજવાળીકાકીના મોઢામાંથી આવાં પોપટવાક્યો સિવાય એક અક્ષર પણ વધારે સાંભળવા મળતો નહોતો, ત્યારે પારકી વાતો વાવલવામાં પાવરધી વખતીડોસીએ પોતાની જીભ બે–લગામ છૂટી મૂકી દીધી હતી. એના ઉપજાઉ ભેજાએ એક ગોળો ગબડાવ્યો :