પ્રકરણ બીજું
વહેમના વમળમાં
સીમમાંથી ગામ ભણી શ્વાસભેર દોડતી જતી સંતુ કણબી પા સુધી તો માંડમાંડ પહોંચી શકી હતી. આંખે અંધારાં આવતાં હતાં અને પગલાં પાછાં પડતાં હતાં, છતાં વાડીમાં ભજવાઈ ગયેલા હત્યાકાંડના સમાચાર શ્વશુર સુધી પહોંચાડવાનું દૃઢ મનોબળ જ એના હતપ્રાણ હૃદયમાં ચેતન સીંચી રહ્યું હતું. ધમણની જેમ શ્વાસ ઘૂંટતી એ ખડકીમાં પ્રવેશી અને હાદા પટેલને ઝડપભેર મિતાક્ષરી વાક્યોમાં વાડીએ બનેલી ઘટના વર્ણવી કે તુરત જાણે કે એના શ્રમિત પગ ભાંગી ગયા.
ફળિયામાં ઢાળેલા જે ખાટલા પરથી હાદા પટેલ ચોંપભેર ઊઠીને વાડીએ દોડી ગયા એ જ ખાટલા પર સંતુ લોથપોથ થઈને ઢળી પડી. આંખ આડે આવી રહેલાં અંધકારમય ભાવિના પ્રતીક સમાં અંધારાંને ક્યારની હટાવી રહેલી સંતુમાં હવે જાગૃતાવસ્થા જાળવવાના હોશ ન રહ્યા. કૂવાને તળિયે નિહાળેલા ભયાનક દૃશ્યની યાદ એકસામટી ધસી આવતાં એના આઘાતની ચોટ અનેકગણી તીવ્ર બની ગઈ. સ્થળ કે સમયનો એને કશો ખ્યાલ ન રહ્યો. મૂર્છિત અવસ્થામાં એનું મનોવહેણ દારુણ દુઃખથી ભરેલા ભાવિ જીવનની પગદંડીએ ચડી ગયું.
‘સંતુ, સંતુ ! શું થયું ? કેમ કરતાં થયું ? સરખી વાત તો કર્ય ?’ હાદા પટેલ દોડતા વાડીએ જવા નીકળ્યા પછી ઊજમે આ અણધારી ઘટના વિશે વધારે વિગતો જાણવા ઉપરાઉપરી પ્રશ્નો