પૃષ્ઠ:Liludi Dharti2.pdf/૨૨૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ડાઘિયો રોયો
૨૧૫
 


‘હાદાભાઈ ! ધનિયા ગોવાળને બરકો ઝટ, કાબરીને અબઘડીએ વાછડું આવશે.’

અને ઊજમ બેવડી ચિંતામાં પડી ગઈ.

‘આ કાબરીએ પણ ઠીકાઠીકનું ઘરણટાણું જ સાચવ્યું !’

‘સાચાં સહીપણાં કોને કિયે !’ વખતીએ સમજાવ્યું. ‘કાબરી તો સંતુને સગી બેન કરતાં ય સવાઈ. કેમ બોલી નહિ, હરખ ?’

પુત્રીની વેદના જોઈને ચિંતાગ્રસ્ત બની ગયેલી હરખે મૂંગામૂગાં જ હકારમાં ડોકું હલાવ્યું.

‘સહીપણાં તો સમજ્યાં, મારી બૈ !’ ઊજમ બોલી, ‘પણ અટાણે આ સાંકડમાં બે નવા જીવ કેમ કરીને સામશે ?’

‘આડું બૂંગણ નાખીને આડાશ કરી દિયો.’ વખતીએ તરત રસ્તો સુઝાડ્યો. ‘કાબરીની ઘોલકી નોખી થઈ જાશે. મલાજો તો એકલા ધનિયા ગોવાળનો જ રાખવાનો છે ને ! કાબરી તો આપણી અસ્તરીની જ જાત્ય ગણાય. કેમ બોલી નહિ, હરખ ?’

‘સાચું. આપણાં આટલાં જણમાં ભાયડો માણહ તો એક ધનિયો જ.’

‘ને હવે સંતુને છોકરો આવે તો બે જણ આદમીમાં ગણાય.’ સંતુની શુશ્રૂષામાં રોકાયેલી હોવા છતાં વખતીની જીભને જં૫ નહોતો.

ધનિયા ગોવાળને સંદેશો આપીને પાછા ફરી રહેલા હાદા પટેલે વખતીનું આ છેલ્લું કથન સાંભળ્યું : સંતુને છોકરો આવે તા બે જણ આદમીમાં ગણાય. સાચું, પણ છોકરો આવશે જ ? તો તો એનાથી રૂડું શું ? ગોબરનું નામલેણું પણ રહે ને સંતુનું જીવતર ધન્ય થઈ જાય. પણ હજી તો, કાબરીની જેમ આમાં ય ચારે ય ખરી પેટમાં જ... વાછડો કે વાછડી કાંઈ નક્કી ન કે’વાય... દીકરો હશે કે દીકરી ? દીકરી હશે તો ઠુમરના ખોરડાનો દિ’ વાળશે... દીકરી ? દીકરી આવશે તો ય સોના જેવી... દીકરી તા ધરણી માતાનો અવતાર... આંગણું ઉજાળશે ને સહુને પાવન કરશે...