પૃષ્ઠ:Liludi Dharti2.pdf/૨૨૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૧૬
લીલુડી ધરતી-૨
 


ફળિયામાં હાદા પટેલ ભાવિ વિશે આવી ઉજમાળી કલ્પનાઓ કરી રહ્યા હતા ત્યારે ગમાણમાં ખાટલે પડીને કણસી રહેલી સંતુને ગામલોકોએ આરોપેલા કલંકની યાદ એકાએક તાજી થઈ હતી. પોતે અગ્નિપરીક્ષામાંથી પાર નહોતી ઊતરી શકી. કડકડતા તેલમાં બોળેલા બન્ને હાથ કચકચી ગયેલા એ હજી હમણાં જ માંડ કરીને રુઝાયા હતા. પણ એના ઘઉંલા વાનમાં કઢંગી રીતે જુદા તરી આવતા એ લાલચોળ હાથ લોકદૃષ્ટિએ જાણે કે એના ચારિત્ર્યની ચાડી ખાતા હતા : ‘તું કલંકિની છે, તેં તારા ધણીને ગારદ કર્યો છે, તારું બાળક તારા પતિનું નથી—’

અને એ ભયાનક યાદ તાજી થતાં સંતુ વધારે અસ્વસ્થતા અનુભવી રહી હતી. હાય રે ! આ લોકોને હું શી રીતે સમજાવીશ કે મારું બાળક મારા ધણીનું જ છે ! ગામનાં માણસોએ મારે માથે તો આટલાં છાણાં થાપ્યાં છે, પણ મારું જણ્યું મોટું થશે પછી એની શી દશા થશે ? એને ય સહુ કપાળમાં મહેણું માર્યા કરશે કે શું ? એ પણ આંગળીચીંધામણ બની રહેશે કે શું ?

મારું જીવતર તો રોળાઈ ગયું, પણ મારા જણ્યાનું ય જીવતર રોળાઈ જશે કે શું ? એની પાસે કઈ સાબિતી રહેશે કે હું કોઈ અનૌરસ સંતાન નથી ?.... સાબિતી ! સાહેદી ! હા, સાહેદી તો આ દુનિયામાં એક જણ આપી શકે એમ છે, અને તે ગોબર પોતે જ. મસાણમાંથી મડદાં પાછાં આવી શકતાં હોય તો ગોબર પાછો આવીને ગામ આખાને કહી જાય કે આ સંતાન મારું છે ! ખબરદાર એની સામે કોઈએ આંગળી ચીંધી છે તો !... અરે, પણ એમ થાતું હોય તો તો જોઈએ શું ? ગોબર પાછો આવ્યો હોત તો તો આટલા સંતાપ પણ શેના થયા હોત ?

જાગૃત-અજાગૃત અવસ્થાના સંધિકાળે સંતુના માનસમાં આવા મિશ્ર વિચારપ્રવાહો ચાલી રહ્યા હતા.

***