ઊજમે ગમાણના આડસરની સમાંતર બૂંગણ ટાંગીને આડશ ઊભી કરી.
થોડી વારમાં જ ધનિયો ગોવાળ આવી પહોંચ્યો અને કાબરીને ઉદ્દેશીને બોલવા લાગ્યો :
‘બાપ્પો, બાપ્પો ! મારી કાબરી !’
‘એલા ધનિયા ! મૂંગો મૂંગો કામ કર્ય. અટાણે વવને સુવાણ્ય નથી—’ ઊજમે સૂચના આપી.
‘ભલે બાપા, ભલે ! નાની વવ સાજાં–નરવાં રિયે...’ કહીને મૌનનો આદેશ સ્વીકારતાં સ્વીકારતાં પણ ધનિયાએ સારો એવો ઘોંઘાટ કરી મૂક્યો. ‘આ ગવતરીનો વેલો વધશે... ને પછી તો એ....ય ને તમારે બારે ય મઈના ઘમ્મર વલોણાં.... ઘી–દૂધની છાકમછોળ.... આ તો વાગડિયાના ઘરની મોટી કાબરીનો વેલો.... આ પે’લવેતરી વિયાશે પછી તો તમારે ગવતરિયુંનો વસ્તાર વધ્યો જ જાણો.... કાબરી મારી બાપ્પો ! બાપ્પો !’
‘એલા ધનિયા, એક વાર કીધું કે અટાણે દેકારો કર્ય મા, તો ય સમજતો નથી.’ ઊજમે બૂંગણના પટાંતરની આડશેથી હવે ગોવાળને દબડાવ્યો. મૂંગો રૈશ તો મોઢામાં બાવાં બાઝી જાશે ?’
‘આમાં મૂંગા રેવાય કેમ કરીને ?’ ધનિયાનો અવાજ આવ્યો. ‘કાબરીની આંખ જ સંચોડી ફરી ગૈ લાગે છે. જરાક ભો જેવું લાગે છે. ચારે ય ખરી સમસરખી દેખાય તો ભગવાનનો પાડ...’
‘વોય મા !’ સંતુએ એક તીણી ચીસ પાડી.
બૂંગણની આડશેથી કેમ જાણે વળતો ઉત્તર આપતી હોય એમ કાબરી પણ એવા જ તીણા અવાજે ભાંભરી.
અર્ધજાગૃત અવસ્થામાં સંતુએ પોતાની સહોદરા સમી સહિયરનો એ ભાંભરડો તો સાંભળ્યો, પણ અસહ્ય વેદનાને પરિણામે ઝડપભેર વધતી જતી તંદ્રાવસ્થામાં એ બીજું કશું સમજી કે વિચારી ન શકી.