પૃષ્ઠ:Liludi Dharti2.pdf/૨૨૯

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ડાઘિયો રોયો
૨૧૯
 

 સંતુ અમળાતી હતી, પણ હવે એના મોઢામાંથી વેદનાચીસ સંભળાતી નહોતી, કેમકે, દાંતની દોઢ વળી ગઈ હતી; એની ઉઘાડી ફટાસ આંખો વાટે એનું અજાગૃત મન વરવાં દૃશ્યો જોઈ રહ્યું હતું :

ધરતીની લીલીછમ બિછાત ઉપર એક નવપુષ્પિત શિશુ ભાખોડિયાં ભરવા મથી રહ્યું છે, પણ લોકો એના માર્ગમાં વિઘ્નો ઊભાં કરે છે. એનામાં કલંકનું આરોપણ થાય છે. ચારે ય દિશાએથી એના ઉપર પથરા પડે છે. સમાજના નીતિરક્ષકો એના ઉપર તૂટી પડે છે, અને બાળક આખરે રિબાઈ રિબાઈને મરણશરણ થાય છે.

ઓસરીમાં સ્તોત્ર ભણી રહેલા હાદા પટેલે એકાએક ઊંડો નિ:શ્વાસ નાખ્યો : ‘જેવી હરિની ઈચ્છા !’

ગમાણમાં ધનિયો ગોવાળ ‘બાપ્પો ! બાપ્પો કાબરી !’ કરીને પોતાની આંતરિક ગભરામણ વ્યક્ત કરી રહ્યો.

બૂંગણની આ બાજુએ સંતુની તંગ મુખરેખાઓમાંથી વ્યક્ત થતી મૂંગી વેદના જોઈને હરખનું હૈયું હાથ ન રહ્યું; એ રડી પડી.

ક્યારની અદ્ધર શ્વાસે સંતુની શુશ્રૂષા કરી રહેલી વખતીએ મોઢિયા દીવાની વાટ ચડાવીને ગમાણમાં વધારે ઉજાસ રેલાવ્યો, અને ચિંતાતુર નજરે સંતુ તરફ તાકી રહી.

રડતી હરખે પૂછ્યું : ‘સંતુને સુવાણ્ય થાશે કે નહિ ?’

વખતીએ એ જ જૂનો ઉત્તર ફરી વાર આપ્યો : ‘મારો વાલોજી લાજ રાખશે.’

અને વખતીનું વાક્ય પૂરું થાય એ પહેલાં તો ખડકી બહાર ક્યારનો ઘૂંફરીઓ ખાઈ રહેલો ડાઘિયો ડોક ઊંચી કરીને તીણા ને તરડાયેલા અવાજે રોવા લાગ્યો.

‘મરે, મરે પીટડિયો ! આંગણામાંથી ખહતો જ નથી, ને ઊભો ઊભો રૂવે છે રોયો !’ કહીને ઉજમ ચિંતાગ્રસ્ત ચહેરે કૂતરાને દૂર હાંકવા બહાર ગઈ.

ફળિયામાં ઊભેલા હાદા પટેલે કહ્યું : ‘ડાઘિયા ઉપર શું કામે