પૂછવા માંડ્યા, પણ એના ઉત્તર આપવાના સંતુને હોશ રહ્યા નહોતા.’
આમે ય સમાચાર સાંભળીને બેબાકળી બની ગયેલી ઊજમ આ નવી ઘટનાથી વધારે ગભરાઈ ગઈ. ગભરામણ સાથે એ કેટલીક શંકાઓ પણ સેવી રહી. સંતુને વારંવાર ઢંઢોળવા છતાં ય એણે કશો જવાબ ન આપ્યો ત્યારે ઊજમના મનમાં રમી રહેલા સંશયો દૃઢ થયા :
ગોબરને કોણે મારી નાખે ? સુરંગમાં ધરબેલો દારૂ કોણે સળગાવ્યો ? માંડણે કે સંતુએ ?
ઊજમના ચિત્તસરમાં સંશયની આ નાની શી કાંકરીએ એક નાનું શું વમળ સરજ્યું અને ધીમે ધીમે એ વમળ વિસ્તરવા લાગ્યું. અને જોતજોતામાં તો એ વહેમનું વમળ એના આખા ચિત્તનો કબજો લઈ બેઠું.
ટોટાની વાટ સાચે જ માંડણિયે સળગાવી હશે ? કે પછી સંતુએ એને જામગરી ચાંપી હશે ?
ઊજમના પ્રકંપિત ચિત્તસરમાં આપોઆપ જ વહેમની બીજી એક કાંકરી આવી પડી.
સંતુને ગોબર ગમતો નહિ હોય, ને એણે જ જાણી જોઈને ધણીનો ઘડોલાડવો કરી નાખ્યો હશે ?
અને વળી પાછું વહેમનું આ નવું વમળ પણ પેલા વમળની જેમ જ વિસ્તરવા લાગ્યું.
સંતુનું મન શાદૂળિયામાં મોહ્યું હશે ? ભગવાન જાણે ! તે દિવસે ગઢની ડેલીએ એને લાદ લેવા મોકલી હતી ત્યારે એને સારીપટ અસૂરું થઈ ગયું હતું. શાદૂળિયે એને રોકી રાખી હશે કે પછી પોતે જ પોતાની મેળે રોકાઈ રહી હશે ? મેં પૂછ્યું એટલે કેવી અણોહરી થઈ ગઈ હતી ?
તે દિવસે દેરાણી–જેઠાણી વચ્ચે શાદૂળના પ્રશ્ન પર થઈ ગયેલી ચડભડને અત્યારે ઊજમ નવા જ સંદર્ભમાં સંભારી રહી. એ