પૃષ્ઠ:Liludi Dharti2.pdf/૨૩૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.





પ્રકરણ સત્યાવીસમું

મુંઢકણું

મોઢિયો દીવો આખી રાત ગમાણમાંથી ફળિયામાં ને ફળિયામાંથી ગમાણમાં હરફર કરતો રહ્યો.

કાબરીને આવેલું મરેલું વાછરડું ધનિયો ગોવાળ લઈ ગયો અને જાણે કે કાબરીને આશ્વાસન આપવા ખાતર જ નિયમ મુજબ પોતાના ઘરમાંથી નવજાત વાછરડાના જ હૂબહૂ પ્રતીક જેવું ચીથરાં ભરેલું ચોપગું મુંઢકણું લાવીને કાબરીની સન્મુખ ગોઠવી દીધું.

અંધારી ગમાણને મોભારે મૂકેલા અજવાશિયામાંથી સૂરજનો તડકો સંતુના ખાટલા પર ઊતર્યો ત્યારે સંતુએ એની પહેલી જ વાર તંદ્રાવસ્થામાંથી આંખ ઉઘાડી.

એની નજર સામે કાબરી નિમાણી બનીને ઊભી હતી, અને એની નજીકમાં ચીંથરાં ભરેલું ચોપગું વાછરડું ગોઠવાયેલું હતું. માતા સમક્ષ એના સંતાનનો આભાસ ઊભો કરવામાં આવ્યો હતો; પણ માતાને એ સંતાનનો સ્વાંગ પ્રતીતિકર નહોતો લાગતો, તેથી જ તો કાબરી વારેવારે નિસાસા નાખ્યા કરતી હતી.

લાંબી તંદ્રાવસ્થામાંથી જાગેલી સંતુ હવે ધીમે ધીમે પોતાનાં વિતકોનો વિચાર કરી રહી હતી. પોતે સહેલી અસહ્ય યાતનાઓ અને યંત્રણાઓને યાદ કરી રહી હતી.

પુત્રીએ પૂરા ચાર પહોર પછી આંખ ઉઘાડી તેથી આનંદિત થઈને હરખ સંતુને શરીરે વહાલસોયો હાથ ફેરવી રહી.

હરખ અત્યારે બેવડા શોકમાં ગરકાવ થઈ ગઈ હતી. સંતુ