પૃષ્ઠ:Liludi Dharti2.pdf/૨૩૩

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
મુંઢકણું
૨૨૩
 


હાથેપગે બાઝેલી ધૂળ ખંખેરતાં બોલ્યો : ‘કાબરી ભારે ચતુર ! હંધું ય સમજી ગઈ કે એનું વાછડું મરી ગ્યું છે, ને આ અમથું મુંઢકણું છે—’

ત્રણ ત્રણ સ્ત્રીઓનાં દેખતાં પોતાને એક ઢોરની, લાત ખાવી પડી, તેથી ધનિયો ખસિયાણો પડી ગયો. પોતાની એંટ જાળવવા એ બોલતો રહ્યો :

‘કળજગ તો જો આવ્યો છ, કળજગ ! મારા આવડા આયખામાં આવાં તો ઘણાં ય વિયાંતલ ઢોરની સામે મુંઢકણાં મેલીને દોઈ લીધાં, પણ કોઈએ મને પાટુ માર્યું નથી. ને હવે તો આ મૂંગાં પહુ ય હંધું ય સમજતાં થઈ ગ્યાં, ઈ કળજગનો જ પરતાપ કે બીજા કોઈનો ?’

‘અટાણે કાબરી ખિજાણી લાગે છે. ઘડીક રઈને રોટલા ટાણે આવ્ય તો વળી દો’વા દેશે.’ ઊજમે કહ્યું.

‘અરે, આવી તો કૈંક કાબરિયું જોઈ નાખી મારી જિંદગીમાં. હું કોણ ? ધનિયો ગોવાળ !’ આમ પોતાના શૌર્યનો ખ્યાલ આપીને ધનિયો વીલે મોઢે બહાર ગયો.

કાબરી નિરાધાર વદને સંતુ સામું જોઈને ભાંભરી ઊઠી.

આ અસહાય ભાંભરડું જ સંતુનો સ્મૃતિતંતુ સાધી રહ્યું. એની આંખ એકાએક ચમકી ઊઠી. એણે ઊજમ તરફ જોયું, હરખ ભણી નજર નોંધી, અને પછી એકાએક કશીક મૂલ્યવાન મત્તા ખોવાઈ ગઈ હોય એવી ગભરામણથી એ ખાલી ખાટલામાં આમતેમ હાથફેરો કરવા લાગી.

હરખને કે ઊજમને કોઈને સંતુનું આ વર્તન સમજાયું નહિ.

સંતુએ વધારે વિવશ બનીને પોતાની શોધક નજર આમતેમ ફેરવવા માંડી. ખાટલાને ખૂણેખૂણે ખાંખાંખોળાં કરવા માંડ્યાં અને આખરે હરખને ઉદ્દેશીને પૂછવા લાગી :

‘ક્યાં છે ? ક્યાં છે ?’