પૃષ્ઠ:Liludi Dharti2.pdf/૨૩૫

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
મુંઢકણું
૨૨૫
 


‘લાવો મારું છોકરું ! મારે એનું મોઢું જોવું છે... બોલો કેમ મૂંગાં થઈ ગયાં ? બોલો, ક્યાં સંતાડ્યું છે ?’

હરખે ધીમે અવાજે કહ્યું : ‘આ શું છોકરમત માંડી છે, સંતુ ? તું સમજતી નથી હવે કાંઈ નાની ગીગલી છો ?’

પણ સંતુ અત્યારે પૂરેપૂરી શુદ્ધિમાં ક્યાં હતી કે આવી શાણી સલાહ–શિખામણ કાને ધરે ?

‘મારા પડખામાંથી કોણ ઉપાડી ગ્યું મારા છોકરાને ? લાવો ઝટ પાછું, મારે એને ધવરાવવું છે, ઘોડિયે સુવરાવીને હીંચકો નાખવો છે, એનાં હાલરડાં ગાવાં છે—’

‘સનેપાત જ ઊપડ્યો છે.’ ઊજમે હરખને કહ્યું, ‘એને માથે કાંઈક ઓઢાડી દિયો.’

હરખે પુત્રીના માથા ઉપર પછેડી નાખી, પણ સંતુએ એ દૂર ફંગોળી દીધી અને બમણા ઝનૂનથી બૂમો પાડવા માંડી.

આખરે ઊજમે એના મોંઢા ઉપર હથેળી દાબી, એટલે એણે ચીસાચીસ કરવાને બદલે મૂંગે મોઢે રડવા માંડ્યું. દબાયેલા મોઢામાંથી ઊઠતો રુદનસ્વર કોઈ ગાઢ જંગલમાં ઊંડે ઊંડેથી સંભળાતા અરણ્યરુદન જેવો કરુણ લાગતો હતો. ઊજમ એ કરુણ સ્વર જીરવી ન શકી. એણે મોઢા પરથી હાથ ઉઠાવી લીધો કે તુરત સંતુએ મોટેથી ઠૂઠવો મૂક્યો, મન મૂકીને એ રડી રહી. મોકળે મને, ઉત્તરોત્તર વધારે ઉગ્ર અવાજે રડી રહી, પેટ ભરીને રડી, પાગલપણાના ઉન્માદથી એ ૨ડી.

અને આખરે એ રુદનસ્વર એક એવી તો તીવ્ર પરાકાષ્ટાએ પહોંચ્યો કે એ આરોહ પર જઈને જ એકાએક અટકી ગયો. એનો અવરોહ આવ્યો જ નહિ. એકાએક શાંત થઈ જઈને એ જંપી ગઈ; શ્વાસની ધમણ ઝડપભેર ચાલતી રહી અને સંતુ જંપી ગઈ.

 ***