પૃષ્ઠ:Liludi Dharti2.pdf/૨૩૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.




પ્રકરણ અઠ્યાવીસમું

રથ ફરી ગયા

સંતુની દર્દભરી ચીસો ને ઉન્માદભર્યાં અટ્ટહાસ્યો સાંભળીને અડખેપડખેથી પડોસીઓ દોડી આવ્યાં.

‘શું થયું ? શું થયું ?’

‘શું કામે રૂવે છે ?’

‘આ તી રૂવે છે કે ખિખિયાટા કરે છે ?’

આવી અકળાવનારી પૂછગાછથી ઊજમ પારાવાર ક્ષોભ અનુભવી રહી. એણે સંકોચ સહ સમજાવ્યું કે સંતુને પાછલી રાતે બાળક અવતરીને મરી ગયું એટલે મગજ ઉપર જરાક અસર થઈ ગઈ છે.

‘મરી ગ્યું ! અરે રામ રામ ! ઈ છોકરાં ઉપર તો હંધી ય આશા હતી, ને ભગવાને ઝૂંટી લીધું !’

‘હવે સમજાણું. રાત્ય આખી ડાઘિયો રોતો’તો તંયે મનમાં થાતું’તું જ કો’કને ઘેર જમડાં આવ્યાં લાગે છે. અમને વે’મ નઈં કે સંતુના છોકરાને લેવા આવ્યાં હશે—’

‘ગરીબનાં નસીબ ગરીબ, ઈ આનું નામ. ઉપરવાળાને ઘેરે જરા ય નિયા નથી. આ તો પડતાંને પાટુ માર્યા જેવું કર્યું.’

‘હા વળી, નીકર છોકરું ઊઝર્યું હત તો સંતુ ઘરનો ઉંબરો ઝાલીને બેઠી રેત, ને એને ટમકુડે તાપણે તાપીને આયખું પૂરું કરી નાખત. પણ આ તો સાવ નછોરવી થઈ રઈ.’ કહીને એક બટકબોલીએ ગર્ભિત નિર્દેશ કર્યો કે હવે સંતુ ઘરનો ઊંબરો