પૃષ્ઠ:Liludi Dharti2.pdf/૨૪૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૩૨
લીલુડી ધરતી-૨
 

 લાગી. ઓઘડ ભૂવો પીધેલી બીડીનાં ઠૂંઠાં માટે ઉકરડા ફેંદતો, સંતુ પોતાના બાળકની શોધમાં ઉકરડે ભમવા લાગી.

સંતુના મનમાં સજ્જડ વહેમ ઘૂસી ગયો હતો : મારા ઉપર કલંકારોપણ થયું હોવાથી મારા બાળકને ઈરાદાપૂર્વક છીનવી લેવામાં આવ્યું છે, લોકાપવાદની બીકથી એને ક્યાંક આઘું પાછું કરી દેવામાં આવ્યું છે. એ બાળકનું આગમન ઘરમાં તેમ જ ગામમાં અણગમતું હતું, તેથી એને અદૃશ્ય કરી દેવામાં આવ્યું છે.

‘એલી તેં મારું છોકરું ક્યાંય ભાળ્યું ?’ પડોશણોને એ પૂછતી. અને પડોશણો સંતુના ગાંડપણ પર હસી પડતી, ત્યારે સંતુના મનમાં ઘોળાઈ રહેલો વહેમ વધારે ઘેરો બનતો.

રસ્તામાં કોઈ માતાની કાખમાં બાળકને જોતાં જ સંતુ પોકારી ઊઠતી :

‘લાવ્ય એવી મારું છોકરું ! તું જ ચોરી ગઈ છે. દઈ દે પાછું મારું છોકરું !’

માતાઓ આવા ગાંડ૫ણને ગણકારતી નહિ. ‘બચાડીને માથે રથ ફરી ગ્યા છે, એટલે આમ બોલબોલ કર્યા કરે છે—’

પણ બધાં જ ગામલોકો આવાં દિલસોજ નહોતાં. કેટલાંક ટીખળીઓ તો સંતુને પજવતાં પણ ખરાં : ‘સંતુ ! આ લે તારું છોકરું—’

‘ક્યાં છે ? ક્યાં છે ?’

‘જો રિયું સામે ઓલ્યા ગોખલામાં !’

‘લાવ્ય ઝટ, લાવ્ય, મારે સતીમાને છત્તર ચડાવવું છે.’ સંતુ ભોળા ભાવે કહેતી, ‘મેં કે’દુની માનતા માની રાખી છે. જુસ્બો ઘાંચી છત્તર ચડાવી ગ્યો, તે’દુની મેં ય માનતા માની છે. જુસ્બાના છોકરાની ઘોડ્યે હું ય એને સતીમાને થાનકે પગે લગાડીને છત્તર ચડાવીશ. દેખાડ્ય ઝટ, ક્યાં છે ?—’

‘જો બેઠું’, ઓલ્યા જાળિયામાં !.... તું ગઈ એટલે સંતાઈ ગ્યું