‘એના વેરીએ નજર નાખી છે. છોકરી ભાર્યે નજરની ઝપટમાં આવી ગઈ છે—’
‘વેરીની નજર ! ભાર્યે નજર ? કોણ? કોણ ?’
‘ઈ તો તમે જાણો. કોની હાર્યે તમે વેર બાંધ્યાં હશે એની મને શી ખબર પડે ? પણ છોકરી બચાડી ઝોડઝપટમાં આવી ગઈ એમાં આ હંધું ય અવળું ઊતર્યું—’
‘કોનાં ઝોડ વળગ્યાં છે ?’ હરખે પૂછ્યું. ‘નામ પાડો. એને રાજી કરીએ, એને મલીદા ચડાવીએ, ને માનતા કરીને રીઝવીએ—’
‘આ કાંઈ દેવદેવલાંનાં ઝોડ નથી કે એને રીઝવવા સારુ ડાકલાં વગડાવાય, કે મલીદા ચડાવાય. આ પાદરમાં બેઠી છે એ મેલડીનાં ઝોડ નથી; આ તો કાળા માથાના મનવીનાં ઝોડ...બાપુ ! આ તો મેલડીથી યે ભૂંડાં—’
‘પણ ઈ છે કોણ ? મારી દીકરીને દખ દેનારનું નામ તો પાડો, પરભાબાપા !’
‘અમારાથી નામ ન પડાય; અમે તો એંધાણ દઈએ—’
‘તો એંધાણ દિયો. હું ગોતી કાઢીશ—’
‘આ ટીપણાં ઉપર સવાપાંચ આના મેલો—’
‘લ્યો, આ મેલ્યા !’ હરખે સાડલાને છેડે વાળી રાખેલી ગાંઠ છોડીને સિક્કા રજૂ કર્યા.
‘છોડી ઉપર મૂઠ્ય નાખી છે—’
‘કોણે ?’
‘ઓતરાદી દૃશ્યે રહેનારાંએ—’
‘ઓતરાદાં રહેનારે ?–—’
‘હા.’
‘નામપગ કાંઈ ?’
‘મે કીધું નઈં કે અમે નામઠામ આપીએ તો પાપમાં પડીએ ! અમારાથી તો એંધાણ જ અપાય—’