કામણટૂમણ આવડે છે ખરાં ?
અને આ પ્રશ્નનું પણ સંશોધન થયું. અજવાળી પોતે ડાકણ હોવાનું આજ સુધી જણાયું નથી. પણ અજવાળીની મા લાખુડોસી તો વિખ્યાત ડાકણ હતી. લાખુ પોતાની જુવાનીમાં પતિ સાથે અરબસ્તાનનાં ગામોમાં રહેલી, અને આરબા લોકો પાસેથી એ ડાકણ વિદ્યા શીખી લાવેલી. એ દિવસોમાં અરબસ્તાન–આફ્રિકા ખેડનાર ઘણી સ્ત્રીઓ આવી મેલી વિદ્યામાં પારંગત થઈને આવતી અને લાખુ એમાંની એક હતી.
લાખુ મરવા પડી ત્યારે એણે અજવાળીને આ મેલી વિદ્યાનો વારસો આપેલો–અથવા આપવો પડ્યો હતો.
‘પોતાના કોઠામાંથી મેલી વિદ્યા પારકાને સોંપ્યા વન્યા ડાકણાં માણહનો જીવ ન જાય - એની ગત્ય ન થાય.’
બરોબર તાળો મળી રહ્યો. અજવાળીએ એની મા પાસેથી જ આ વિદ્યા મેળવી છે !
‘જુવોની, એની આંખનો ખૂણો જ કહી દિયે છ, કે એ ભારે નજરવાળી છે.’
‘ને આ હરખનું વેર એણે સંતુ ઉપર વાળ્યું... બચાડીને સાવ મગજમેટ કરી મેલી—’
‘ને પોતે સખેને જાતરાને બહાને ગામમાંથી આઘી નીકળી ગઈ, કોઈને વહેમ ન આવે એટલા સારુ—’
ધીમે ધીમે ઊજમ પણ આ વહેમમાં પાકી શ્રદ્ધા ધરાવતી થઈ ગઈ. હરખે બીજી કેટલીક વિગતો આપીને એ શ્રદ્ધાને પુષ્ટ કરી. જડાવના અનૌરસ સંતાન વિષે સંતુને જાણ હતી, એ વાત અજવાળીકાકીને ખટકતી હતી. તેથી જ, એમણે વેર લેવા માટે સંતુના સંતાનને મારી નાખ્યું, ને સંતુને ગાંડી કરી મૂકી.
એક બપોરે ઊજમ, હરખ અને વખતી ફળિયામાં બેસીને આ મૂંઝવણનો ઉપાય વિચારી રહ્યાં હતાં.