પૃષ્ઠ:Liludi Dharti2.pdf/૨૫

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
વહેમના વમળમાં
૧૫
 


ખાસડાં સુદ્ધાં સુંઘાડાઈ ગયાં, છતાં સંતુ શુદ્ધિમાં ન આવી ત્યારે જંતરમંતર તે સૂટકાની વાતો શરૂ થઈ. અને ફરી ઊજમના મનમાં વહેમનાં વાદળો ઘેરાવા લાગ્યાં :

સંતુને સાચે જ મૂર્છા આવી ગઈ છે કે પછી ઢોંગધતૂરા કરે છે ? પોતે હાથે કરીને ગોબરને ગારદ કરી આવી છે ને હવે મોટી સતી થવાનું નાટક કરે છે ? સાચો જવાબ ન આપવો પડે એટલે મૂંગી થઈ ગઈ છે ?

ઊજમનું શંકિત માનસ આવાં અનુમાનો કરી રહ્યું હતું ત્યાં જ સોની ફળિયામાંથી અજવાળીકાકી આવી પહોંચ્યાં. એમણે તો સંતુના કશા ખબર પૂછવાને બદલે તોપનો ધડાકો જ કર્યો :

‘સંતુએ જ ટોટાની વાટ સળગાવી દીધી !’

‘સાચે જ ? કોણે કીધું ?’

‘વાડીએથી વાવડ આવ્યા છે.’

‘પણ સગી ધણિયાણી ઊઠીને આમ ધણીને મારી નાખે ?’

‘માંડણિયે નજરોનજર ભાળ્યું ઈ ખોટું ? કાસમ પસાયતાની મોઢે એણે કબૂલ કર્યું.’

ઊજમને જોઈતું હતું એ જ મળી રહ્યું. પોતાની શંકાઓની શૃંખલામાં ખૂટતી કડી સાંપડી રહી.

અજવાળીકાકીએ ઊજમ જોડે આંખની સાંકેતિક ભાષામાં થોડી ગુફતેગો પણ કરી લીધી. એ સંકેતોનો વાચ્યાર્થ આવો હતો : જોયુંને ? આપણો વહેમ સાચો પડ્યો ને ? સંતુડીએ મૂવા શાદૂળિયા હાર્યે જ ભેઠ બાંધી’તી, એટલે આ ગરીબડા ગોબરને ગૂડી નાખ્યો.

અજવાળીકાકીએ કરેલા આ તોપધડાકા પછી ખડકીનું વાતાવરણ જ પલટાઈ ગયું. અત્યાર સુધી જે લોકો સંતુને શુદ્ધિમાં લાવવા મથતાં હતાં, એના પ્રત્યે સહાનુભૂતિ દર્શાવતાં હતાં, એ સહુ હવે એના ઉપર નરી નફરત વરસાવી રહ્યાં.