પૃષ્ઠ:Liludi Dharti2.pdf/૨૫૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૪૪
લીલુડી ધરતી-૨
 

 કેટલાંક બાળકો સંતુ તરફ તાકીને માંહેમાંહે ગુસપુસ કરી રહ્યાં : ‘આયહાય ! આવડી મોટી ઢાંગળી થઈને આપણા ભેગી ખેલ જોવા બેઠી છે ?’

એક ટીખળી છોકરાએ તો અહીં સંતુની હાજરી વિષે ધીમે સાદે ટિપ્પણ કરતાં અપદ્યાગદ્ય જેવા લયમાં ગણગણવા પણ માંડ્યું :

‘છોકરા ભેગી છોકરી...
એની મા બોકડી...’

તરત એના વાંસામાં ધડિમ્ કરતોકને ઢીંકો પડ્યો અને અવાજ સંભળાયો :

'‘મૂવા, જીભડો બવ વધ્યો હોય તો ટપુડા વાણંદ પાંહે જઈને વઢાવી આવ્ય !’

એ ટીકાકાર ગાયકને બિચારાને ખબર નહિ કે પોતે જેને ‘બોકડી’ કહીને બિરદાવી રહ્યો હતો એ સંતુની મા હરખ પોતાની પછવાડે જ ઊભી હતી.

ડુગડુગી વગાડીને વચ્ચે વિરામ લેતાં ભચડાએ વખતીને ઉદ્દેશીને આવકાર આપ્યો :

‘આવી પૂગ્યાં ને વખતી ફુઈ ! ભલે આવ્યાં, ફુઈ ! ભલે આવ્યાં.’

ભચડાનો બાપ જીંથરો મૂળ પડખેના ગામ વાટોદડનો રહેવાસી હતો વખતીનાં માવતર પણ વાટોદડ. એ નાતે ભચડો વખતીને ફુઈ કહીને સંબોધતો.

‘અમે તો આવી પૂગ્યાં પણ તું આ દકાળ વરહમાં પરસોતમ મૈના જેવો રોટલા માગવા શું કામે આવી પૂગ્યો ?’

‘દકાળ વરહ છે ઈ તો હું ય સમજું ; પણ મારે ય આ ચાર જીવનાં હોજરાં તો ભરવાં ને ?’ ભચડાએ પોતે, પોતાની બાળકી, રીંછ અને વાંદરાના ઉદરનિર્વાહનો ઉલ્લેખ કરીને કહ્યું,