પૃષ્ઠ:Liludi Dharti2.pdf/૨૫૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
તમાશો
૨૪૫
 

 ‘ને રોટલા ઢીબનારી આ ચમેલીની માનું ગામતરું થ્યા કેડ્યે, તો હવે મારે આ રતનિયાને નચવી નચવીને વાસી શિરામણ જ ઉઘરાવવાં ને ?’

અને પછી જાણે કે પોતાના જ મનમાં રમી રહેલ કાંઈક અપરાધી વૃત્તિનું સમાધાન કરવા ખાતર વખતી સમક્ષ વણમાગ્યો ખુલાસો રજૂ કર્યો :

‘ઓલ્યા ડોકામરડીવાળા રાફડામાંથી ટીલાળા નાગને એની નાગણીથી નોખો પાડીને કરંડિયે પૂર્યા કેડ્યે પંદર જ જમણમાં આ ચમેલીની મા પાછી થઈ, એટલે મેં સરપ પકડવાનું મેલી દીધું.... ઈ રાફડે રમતું જોડકું મેં ભાંગ્યું, એમાં નાગબાપાનો મને શરાપ લાગી ગ્યો... ઈ નાગનાગણીમાં વિજોગ કરાવ્યા, એમાં મારે વિજોગ થઈ ગ્યાં, એટલે મોરલી ને કરંડિયો મેલ્યાં પડતાં અને હવે આ રતનિયા–ચમેલીને જ રમાડ્યા કરું છું—’

વખતીએ આ વાદી પ્રત્યે હમદર્દી દાખવતાં કહ્યું :

‘કોઈનાં વા’લામાં વિજોગ પડવવા જેવું પાપ બીજું કોઈ નથી, ભચડા !’ અને પછી ભચડાના ભાવિ અંગે સૂચન કર્યું : ‘થાવાકાળ થઈ ગયું. પણ હવે આછુંપાતળું બીજું કોઈ ગોતી લે, ને પગ વાળીને બેશ્ય !’

‘ના રે ફુઈ ! મને તો ઓલ્યા નાગબાપાના નિહાકા એવા તો આકરા લાગ્યા છે કે હવે ફરી દાણ આછુંપાતળું ઘર કરું ને, તો ય સુખી ન થાઉં. માડી ! મેં તો વા’લામાં વિજોગ કરાવ્યા, વા’લામાં વિજોગ... મને વે’મ નંઈ કે રાફડામાં નાગણી સંતાણી છે. મેં તો એકલા નાગને જ મૂઠ મારીને કરંડિયે પૂરી દીધો, ને નાગણી મારી ઘરવાળીને ભરખી ગઈ...’

અને પોતાના ‘ખેલ’નો આરંભ કરતાં પહેલાં છેલ્લી વારની ડુગડુગી છટાપૂર્વક વગાડી લેતાં ઉમેર્યું :

‘તો હવે મારે ભવોભવના વિજોગ, માડી ! ભવોભવના વિજોગ.