પૃષ્ઠ:Liludi Dharti2.pdf/૨૬

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૬
લીલુડી ધરતી-૨
 

 ‘અરરર... આવું રાખહ જેવું કામ કરતાં જીવ કેમ હાલ્યો હશે ?’

‘આ તી બાયડી કે ચૂડેલ ? સગા ધણીને ભરખી ગઈ !’

‘પણ પોતાના પરણ્યાને આમ હહલું ગૂડે એમ ગૂડી નાખતાં જરા ય વિચાર નહિ થયો હોય ?’

‘આનું નામ જ અસ્તરી ચરિતર ! એનાં પાપનો પાર કોઈ ન પામે.’

‘પણ માડી ! આવું કહાઈ જેવું કામ કરતાં એનો હાથ ધ્રૂજ્યો નહિ હોય ? એના રૂદામાં ભગવાને દયાનો છાંટો નહિ મેલ્યો હોય ?’

‘જેનું મન ચળ્યું ને બીજે ઠેકાણે બેઠું એને દયા કેવી ને વાત કેવી ? પીંગળા રાણીની કથા નથી સાંભળી ? ઈ તો ભરથરી રાજાને ભેખ જ લેવડાવે.’

કાસમ પસાયતો હજી વાડીએ પંચનામું કરે એ પહેલાં તો અહીં ખડકીમાં એકઠા થયેલા સ્ત્રીવૃન્દે પંચ એ જ પરમેશ્વર સમજીને આ હત્યા અંગેનો ચુકાદો આપી પણ દીધો.

‘સંતુડીએ ગોબરને ગૂડી નાખ્યો !’

જાણે કે મધપૂડા પર પથરો પડ્યો હોય એમ ખાડકીમાં ઠાંસોઠાસ જમા થયેલા ટોળામાં ધીમો ગણગણાટ ચાલ્યો :

‘સંતુલીએ સગા ધણીને ગૂડી નાખ્યો !’

ઊજમ અને અજવાળીકાકીને મોઢેથી વહેતો મુકાયેલો આ ગબારો ઊંચો ને ઊંચો ચડતો રહ્યો.

‘અરરર માડી ! સગી ધણિયાણીએ ઊઠીને ધણીને વાઢી નાખ્યો ?’

એકી અવાજે થઈ રહેલા આ ગણગણાટમાં એકલવાયો અવાજ સંતુની જનેતા હરખનો હતો.

‘એલી બાઈ ! જરાક તો ઉપરવાળાનો ભો રાખ્ય ? કોણે આ કાળો કામો કર્યો છે ઈ જાણ્યાકારવ્યા વિના આવાં આળ કાં ચડાવ્ય ?’