પૃષ્ઠ:Liludi Dharti2.pdf/૨૬૭

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.


પ્રક૨ણુ બત્રીસમું
આશાતંતુ

‘ક્યાં ગઈ મારી ચમેલી ?’ એવી સંતુની ચીસોના ઉત્તરમાં વખતી એને આશ્વાસન આપતી હતી : ‘સતીમાં તારી ચમેલીને લઈ ગ્યાં છે, ને સતીમાં જ તને પાછી દઈ દેશે, હોં !—’

ઊજમને નવાઈ લાગતી હતી. સંતુની આ બાલિશ પૃચ્છાનો વખતી ઉત્તર જ શા માટે આપે છે ? શું એ જાણતી નથી કે સંતુના રથ ફરી ગયા છે અને આ બધા પ્રશ્નો એનો લવારો જ છે, અને એનો જવાબ આપવાનો જ ન હોય ? અને છતાં વખતી એ બાલિશ પ્રશ્નોના જવાબ આપે છે, ને એમાં વળી વારેવારે સતીમાનું નામ શા માટે લે છે ?

અને આ સતું પણ ગાંડી તે સળંગ ગાંડી જ છે ને ? વખતીને મોઢેથી સતીમાનું નામ પડે છે, ને કેવું સાચું માની બેસે છે ! કેમ જાણે એની ‘ચમેલી’ને સતીમા સાચે જ લઈ ગયાં હોય, અને સાચે જ એ પાછી આપવાનાં હોય !

પણ ના, આ વખતી ડોસી તો કાંઈક વધારે ઊંડી લાગે છે. એ સંતુને કેવળ ફોસલાવતી નથી. હા, એ કથળી પડેલ કે કજિયે ચડેલા બાળકને છાનું રાખતી હોય એ ઢબે સંતુને પટાવે છે, સાંત્વન આપે છે; પણ એ બધી ક્રિયા પાછળ એની કોઈક ઊંડી રમત દેખાય છે, કોઈક સુયોજિત વ્યૂહ વરતાય છે.

શો હશે એ વ્યુહ ?