પૃષ્ઠ:Liludi Dharti2.pdf/૨૬૮

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૫૮
લીલુડી ધરતી-૨
 

 એ સમજવું ઊજમના ગજા બહારનું કામ હતું.

વખતીનો વ્યુહ તો જે હોય તે. પણ એણે કરેલાં સંતુનાં મનામણાંને પરિણામે એક દેખીતો લાભ તો થયો જ. અત્યાર સુધી પોતે માની લીધેલા પોતાના બાળકની ખોજમાં બહાવરી બનીને ગામ આખામાં ભટકતી સંતુનો જીવ હવે આશાતંતુએ બંધાયો. એના હિજરાતા હૈયાને સાચે જ ધરપત વળી કે સતીમાએ હમણાં મારી ખોવાયેલી ચમેલીને સાચવી રાખી છે, ને એ મને પાછી આપશે.

વિચક્ષણ વખતી તો વળી એમ પણ ઉમેરવા લાગી કે તારી ચમેલી કોઈથી નજરાઈ ન જાય, એ ઉદ્દેશથી સતીમાએ પોતાના ખોળામાં સાચવી રાખી છે. એ જતન કરીને તારા જણ્યાને ઊઝેરી રહ્યાં છે. એનું ટાણું થાશે એટલે એ તને પાછી જડશે.

અને સંતુ તો રાજીરાજી થઈ ગઈ. આજ સુધી એ ગામમાં જેને ને તેને પૂછ્યા કરતી હતી : ‘ક્યાં ગઈ મારી ચમેલી ? કોણે ચોરી છે મારી ચમેલી ? ક્યાં સંતાડી છે મારી ચમેલી ?’ હવે એ જે કોઈ મળે એને મોઢે એક જ સમાચાર આપતી : ‘સતીમાને ખોળે મારી ચમેલી ખોવાણી છે, અને સતીમાને થાનકેથી જ એ પાછી જડશે.’

ભોળુડી સંતુ ! આશાને તાંતણે બંધાયેલી સંતુ ! એણે તો વખતીના એક અમથા આશ્વાસન ઉપર ઊંચા ઊંચા આશા–મિનારા બાંધી દીધા. પોતાની ચમેલી પાછી મળે પછી એનાં કેવાં લાલનપાલન કરવાં, એને શુ પહેરાવવું, શું ઓઢાડવું, એને માટે કેવાં મજાનાં રમકડાં લેવાં, એની રજેરજ વિગત એણે વિચારવા માંડી.

અને એક દિવસ તો શેરીમાં નથુસોની સામે મળ્યો, એને સંતુએ કહી પણ દીધું :

‘નથુબાપા ! મારી ચમેલી પાછી જડે કે તરત સતીમાનું છત્તર ઘડી દેજો, હોં ! મેં માનતા માની છે, ઈ પૂરી કરવી પડશે !’

સંતુની આવી કાલીઘેલી વાણી સાંભળીને નીંભર નથુસોની