પૃષ્ઠ:Liludi Dharti2.pdf/૨૬૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
આશાતંતુ
૨૫૯
 

 તુચ્છકારભર્યું હસ્યો ને મૂંગો મૂંગો ચાલતો થઈ ગયો.

અને પછી તો, રહેતે રહેતે ઊજમને પણ વખતીએ લગાવેલો તુક્કો સાનુકૂળ જણાયો. એ તુક્કાએ સંતુના ગાંડપણને ધીમે ધીમે કાલાઘેલા ભોળપણમાં પલટાવી નાખ્યું. પેલા ઉગ્ર ઉન્માદ કરતાં આ ભોળું ભાવુકપણું લાખ દરજ્જે સારું હતું, સહ્ય હતું, એમ ઊજમને તેમ જ હાદા પટેલને પણ સમજાયું.

આ ભાવકપણાનું એક પરિણામ એ આવ્યું કે સંતુએ રોજ સવારે ઊઠીને સતીમાના થાનકે જવાનું વેન લીધું.

‘ભાભી ! હાલ્યની વાડીએ ? થાનકમાં જઈને જોઉં તો ખરી સતીમાએ મારી ચમેલીને રમતી મેલી હોય તો ?’

સાંભળીને આરંભમાં તો ઊજમ ખિજાતી અને કહેતી : ‘એમ ક્યાં ચમેલી રસ્તામાં રેઢી પડી છે ? સતીમાએ જાણે કે તારે સારુ ઠારી મેલી હશે, તી તું જાતાંવેત ઉપાડી આવ્ય !’

પણ સંતુ આવી શાણી વાત સાંભળવા જ નહોતી માગતી. એને એક જ રઢ હતી : સતીમાને થાનકે જઈને રોજ પોતાની બાળકીની તપાસ કરવાની.

આખરે, સંતુની આ ‘બાળહઠ’ સમક્ષ ઊજમે નમતું આપવું જ પડ્યું. ખુદ હાદા પટેલે એને સૂચન કર્યું કે સંતુને રાજી કરવા એને રોજ સતીમાને થાનકે લઈ જવી.

અને પછી તો ખુદ ઊજમને પણ આ સુચન અનુકૂળ જણાયું. દુષ્કાળનું વરસ જેમતેમ કરીને પૂરું કર્યું, અને પછી નવા વરસની તૈયારી માટે એ રોજ સાથી જોડે વાડીએ જવા માંડી ત્યારે સંતુને એકલી ઘરે મુકવાને બદલે પોતાની સાથે લઈ જવાનું એને સુગમ થઈ પડ્યું. રોજ ઊઠીને સંતુ ઊજમ જોડે વાડીએ જાય, સતીમાના થાનકમાં ઉત્સુકતાથી ચમેલીની તપાસ કરે, ક્યાંય એ નજરે ન ચડે એટલે નિરાશ થઈને નિસાસો મૂકે, અને તુરત, ‘આજ નહિ તો કાલ જડશે’ એવી શ્રદ્ધા સાથે એ પાછી આવે.