પૃષ્ઠ:Liludi Dharti2.pdf/૨૭

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
વહેમના વમળમાં
૧૭
 

 પણ પરમેશ્વર સમું પંચ બોલતું હોય ત્યાં હરખની તૂતી કોણ સાંભળે ?

થોડી થોડી વારે વાડીએથી સમાચાર આવ્યા કરતા હતા. સીમમાંથી પાછા ફરનાર માણસો જે વાતો લાવતા હતા એમાં ય આવું જ સનસનાટીભર્યું તત્ત્વ સમાયેલું હતું.

મોડી સાંજે વગડો કરીને પાછી આવતી વખતી ડોસી ઠુમરની વાડીએ થોભી ગઈ હતી. એણે મોડેથી ગામમાં આવીને ઠુમરની ડેલીએ કેટલાક ‘આંખે દેખા હાલ’ રજૂ કર્યા :

‘ગોબરની લાશનો કબજો નહિ સોંપાય...’

‘શંકરભાઈ ફોજદારને બરકવા વેઠિયો ગ્યો છે; પણ ફોજદાર શાપરમાં નથી...’

‘માંડણિયો તો દારૂના ઘેનમાં ચત્તોપાટ પડ્યો પડ્યો ઘોરે છે...’

‘ગોબરનું મડદું તો મોટે દવાખાને લઈ જાવું પડશે. દાગતરની ચિઠ્ઠી વન્યા એને દેન નઈં દેવાય.’

‘માંડણિયે કબૂલ કર્યું છ કે સંતુડીએ વાટ સળગાવીને ગોબરને મારી નાખ્યો છે. ફોજદાર આવીને સંતુને શાપરની જેલમાં લઈ જાશે.’

અત્યાર સુધી ફળિયામાં એકઠા થયેલા મહિલા પંચના પિષ્ટપેષણમાં જે એકવાક્યતા આવતી જતી હતી એમાં વખતીએ ચગાવેલા નવા ગબારાઓએ થોડી નવીનતાઓ ઉમેરી.

વખતીને પોતાનું એક જૂનું વેર વાળવાની આજે સરસ તક મળી ગઈ. મહિનાઓ પહેલાં પાણીશેરડે એને સંતુ સાથે જરા ચડભડ થઈ ગયેલી. સંતુએ અપંગ બનેલા માંડણનાં બે મોઢે વખાણ કરવા માંડેલાં, અને જીવતીના અગ્નિસ્નાન સામે માંડણનો બચાવ કરેલો ત્યારે વખતીએ એને સંભળાવેલું કે માંડણનું બહુ દાઝે છે, તો એ ઘરભંગ માણસનું ઘર માંડીને બેસ ની ? ...આના