સંતુનો આ નિત્યક્રમ પછી તો ગામ આખમાં જાણીતો થઈ ગયો. દેરાણી-જેઠાણી પાદર તરફ નીકળે ને સીમને કેડે ચડે ત્યારે સામાં મળનાર માણસો સંતુને પૂછે: ‘એલી સંતુ ! ક્યાં હાલી?’ સંતુ ભોળે ભાવે જવાબ આપે : ‘મારી ચમેલીને ગોતવા !’
સાંભળીને, કોઈ માણસ આ વેદનામૂર્તિ પ્રત્યે અનુકમ્પા અનુભવે, કોઈ એની મશ્કરી કરે, કાઈ આવી વેવલી શ્રદ્ધાની વ્યર્થતા સમજાવે. કોઈ વળી આ શ્રદ્ધાને બળવત્તર પણ બનાવે : ‘હા જડશે, હોં ! સાચે જ જડશે તારી ચમેલી !’
અને એવામાં ઊજમે અને સંતુએ થાનકમાં એક અચરજ જોયું. આગલી સાંજે ઊજમ વાડીમાંથી કડબ વાઢીને ગઈ ત્યારે સતીમાના ફળા ઉપર છેલ્લી નજર કરતી ગઈ હતી. સવારે આવીને જોયું તો ફળા ઉપર સોનાનું ખોભરું ચડી ગયું છે અને ઊગતા સૂરજનાં કોમળ કિરણમાં એ ઝગમગતું સોનું વધારે ઝળહળી રહ્યું છે.
‘ભાભી ! આ ફળાને સોનું કોણ મઢી ગયું ?’ સંતુએ પૂછ્યું.
‘ભગવાન જાણે ! ને કાં સતીમા પંડ્યે જ જાણે !’ કહીને ઊજમે અનુમાન કર્યું: ‘કોઈની માનતા ફળી હશે—’
‘પણ આ તો કો’ક છાનુંછપનું આવીને ખોભરું ચડાવી ગ્યું લાગે છે—’
‘તો કો’કની છાની માનતા ફળી હશે—’
‘છાની માનતા ?’
‘હોય, ઘણાં ય દુ:ખિયાં છાની માનતા માને... સમજુબા છાનું છત્તર નો’તાં ચડાવી ગ્યાં ? ને ઝમકુએ છાની માનતા નો’તી માની ? એમ આ ખોભરું ય કો’ક છાનું—’
‘પણ સોનાનું ?’
‘ઈ તો જેવો જેનો લાભ ! ઝાઝો લાભ થ્યો હોય તો ઝાઝું નાણું ખરચે. સોનું શું, હીરામોતી ય વાવરે.’
અને જોતજોતામાં તો વાયરે વાત ફેલાઈ ગઈ.