પૃષ્ઠ:Liludi Dharti2.pdf/૨૭૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
આશાતંતુ
૨૬૧
 

 ‘સતીમાના ફળા ઉપર કો’કે સોનાનું ખોભરું ચડાવ્યું છે.’

અને આ નવું કૌતક જોવા માટે વાડીએ માણસોનાં નોર પડ્યાં.

‘કોઈની બવ મોટી મનખા ફળી લાગે છે.’

‘પણ કોની ? આ દકાળ વરહમાં આટલું સોનું કોના ઘરમાંથી નીકળ્યું ?’

થોડા દિવસ તો આ વિશે રસિક તર્કવિતર્ક ચાલ્યા.

‘નથુસોની મોડી રાત સુધી દીવી બાળીને ફૂંકણી ફુંકતો ખરો. આપણને શી ખબર કે સતીમાનું ખોભરું ઘડતો હશે !’

‘પણ ઘડાવ્યું કોણે ? આટલો ગરથ કોના ગૂંજામાંથી નીકળ્યો ?’

‘દુકાળ વરહમાં અન્નને ને દાંતને તો વેર થઈ ગ્યાં છે, ને આટલું સોનું વાવરવાનું કોને સૂઝયું ?’

‘હશે કો’ક ખમતીધર આસામી; હશે કો’ક ચીંથરે વીંટ્યું રતન ?—’

આ ચીંથરે વીંટ્યું રતન કોણ, એની જાણ સાવ અણધારી રીતે ને એથી ય અણધારી વ્યક્તિને મોઢેથી થઈ.

ગામ આખાનાં વતાં કરનારો અને મોટાં મોટાં માણસની ચાકરી કરનારો ટપુડો વાળંદ ક્યાંકથી વાત સાંભળી આવ્યો કે સતીમાના ફળા ઉપર સોનાનું ખોભરું ચડાવનાર તો અમથી સુથારણ છે. અને એ વાળંદે પોતાના એકેએક કળને કાને આ વાત નાખી દીધી. ટપુડાએ રજૂ કરેલી આ બાતમીનું સમર્થન પણ વિચિત્ર રીતે મળ્યું. વખતી ડોસીએ અમથીને પૂછ્યું: ‘એલી આ વાત સાચી છે ? સતીમાને સોનાનું ખોભરું તેં ચડાવ્યું છે ?’

અમથીએ આ પ્રશ્નનો હકારમાં કે નાકારમાં ઉત્તર આપવાને બદલે, પોતાની હાંસી થઈ રહી છે એમ સમજીને વખતીને ઊધડી જ લીધી.

‘ચડાવ્યું તી ચડાવ્યું, ક્યાં કોઈના બાપની ચોરી કરી છે ?... સતીમા તો આખા ગામનાં છે. ક્યાં કોઈનાં સુવાંગ છે ?’