પૃષ્ઠ:Liludi Dharti2.pdf/૨૭૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૬૨
લીલુડી ધરતી-૨
 

 અને પછી તો, વખતીને પડતી મેલીને આખા ગામને ઉદ્દેશીને અમથીએ સંભળાવવા માડ્યું : ‘ચડાવ્યું, ખોભરું ચડાવ્યું, સાડીસત્તર વાર ચડાવ્યું ! હવે છે કાંઈ... આટલું સોનું મેં ક્યાંથી કાઢ્યુ એમ ? તમારે આંગણે માગવા તો નથી આવી ને ? પાતાળ ફોડીને કાઢ્યું... ખોડા ઢેઢ પાસેથી માગ્યું. એની તમારે શેની પંચાત..?’

અને અમથીની શી માનતા ફળી, અને શા નિમિત્તે એણે આટલું મોટું ખર્ચ કરી નાખ્યું, એનો અણસાર પણ આ પુણ્યપ્રકોપમાંથી જ આપમેળે મળી રહ્યો.

‘મને મારો છોકરો પાછો જડ્યો, ને મારી મનખા ફળી એની. આ માનતા કરી, એમાં ગામના કેટલા ટકા ગ્યા ? ખરચ મેં કર્યું ને ઠાલા તમે શું કામે પારકી ચંત્યા કરીને દૂબળાં થાવ છો ? ઠાલી મોફતની ભોઈની પટલાઈ શું કામ કરો છો ?’

અને માથાભારે અમથીએ તો કોઈની કશી પરવા કર્યા વગર, ઝનૂનમાં ને ઝનૂનમાં પોતાની ભાવિ યોજના પણ આ પ્રસંગે જ જાહેર કરી દીધી.

‘આ હજી તો મેં સતીમાની આનાથી ય મોટેરી માનતા માની રાખી છે. હજી તો મારે માતાની દેરી માથે સોનાનું ઈડું ચડાવવું છે. તે દી સહુ જોઈ રે’જો, ને દાઝે બળજો તમતમારે—’

સાંભળનારાંઓ તો મોંમાં આંગળાં નાખી ગયાં. આ દલ્લી દેખો ને બમ્બઈ દેખો કરીને રોટલાનાં બટકાં ને લાસાં કાવડિયાં ઊઘરાવનારી પાસે આટલું સોનાનું જોર ક્યાંથી આવ્યું ?

આ ભેદ ઉકેલવાનું ટપુડા વાળંદનું ગજું નહોતું. એમાં તો વલ્લભ મેરાઈ જેવા જાણકારોએ જ શહેરમાં જઈને સાંભળેલા ગામગપાટાને આધારે અનુમાનો તારવ્યાં :

‘ઈ તો અરબસ્તાનમાંથી પાણીને મૂલે સોનું ઢસરડી આવી છે. એમાંથી સતીમાને શણગારે છે—’

‘ના, અરબસ્તાનમાંથી નહિ, કાબુલમાંથી. કાબુલીવાળા ભેગી