પૃષ્ઠ:Liludi Dharti2.pdf/૨૭૪

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
પ્રકરણ તેત્રીસમું
જડી ! જડી !

‘સતીમા ! તમે તો જુસ્બા ઘાંચીની મરિયમને ફળ્યાં, રઘા મહારાજને ને અમથીને ફળ્યાં, ઓલી ઝમકુડીએ અધરમની માનતા માની’તી, તો એને ય ફળ્યા વિના ન રહ્યાં, ને મને એકલીને જ કાં ફળતાં નથી ?’

રોજ થાનક પર જઈને ‘ચમેલી’ની ખોજ કરતી, અને એમાં નિરાશ થતી સંતુ સતીમાને ઉદ્દેશીને આ ફરિયાદ કરી રહેતી.

આખરે, એક શુભ દિવસે સંતુની આ ફરિયાદનો અંત આવ્યો.

એ દિવસે વખતી પોતાના રોજના રાબેતા કરતાં જરા વહેલેરી વગડો કરવાને બહાને નીકળી, અને સીમમાં જતાં પહેલાં ઠુમરની ખડકીએ ડોકાતી ગઈ અને ઊજમને એકાંતમાં બોલાવીને એના કાનમાં કશોક સનકારો કરતી ગઈ.

ઊજમે માત્ર મૂંગા હાસ્ય વડે જ વખતીના આ સનકારાનો ઉત્તર આપ્યો અને રોજનું ટાણું થતાં સંકેત મુજબ એ સંતુને લઈને વાડીએ જવા નીકળી.

દેરાણી-જેઠાણીએ ખોડીબારામાં પગ મૂક્યો કે તરત એક વ્યક્તિ થાનક પછવાડેથી ચોંપભેર પડખેના ખેતરમાં ઊતરી ગઈ. ઊજમે એ જોયું, પણ ‘ચમેલી’નું રટણ કરી રહેલી સંતુને એ વ્યક્તિની હલચલ અવલોકવાની નવરાશ નહોતી.

પૂર્વયોજિત સંકેત મુજબ ઊજમે સંતુને એકલી જ થાનક નજીક મોકલી અને પોતે વાડીમાં કશુંક કામ કરી રહી હોવાનો ડોળ કર્યો.