પૃષ્ઠ:Liludi Dharti2.pdf/૨૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૮
લીલુડી ધરતી-૨
 

 ઉત્તરમાં સંતુએ વખતીને સારા પ્રમાણમાં ઊધડી લઈ નાખેલી. એ ઘટના આ ડોસી હજી ભૂલી નહોતી. દાવ આવ્યે સોગઠી મારવાનો લાગ શોધી રહેલી વખતીને આજે સરસ દાવ સાંપડી ગયો હતો.

‘મેં તો કે’દિ’નું માંડી રાખ્યું’તું કે આ ઊછળ્યું ધાન હવે ગોબરના ઘરમાં ઝાઝા દી ઠરશે જ નહિ. છેલછોગાળા શાદૂળભામાં જેનું મન મોહ્યું, એને ગરીબડો ગોબર જેવો ધણી શેનો ગમે ?’

 ***

આખી રાત ગુંદાસર જાગતું રહ્યું. ઠુમરની ખડકીએ બૈરાંઓની ઠઠ જામેલી રહી, વાડીએ વાડીએ પુરુષોની. અડખેપડખેનાં ગામોમાં સમાચાર ફેલાતા ગયા તેમ તેમ પરગામનાં કેટલાંક નવરાં માણસો પણ આ વિલક્ષણ ખૂનનો કિસ્સો નિહાળવા આવી પહોંચ્યાં.

શંકરભાઈ ફોજદારની રાહ જોતી ગોબરની લાશ વહેલી પરોઢ સુધી પડી રહી. ખીજડાના થડ જોડે દોરડા વડે મુશ્કેટાટ બાંધેલા માંડણને દારૂનું ઘેન ચડતું ગયું તેમ તેમ એ લથડતો ગયો અને આખરે એ ચકચૂર દશામાં કાસમ પસાયતાની નજર તળે આળોટતો રહ્યો. એના વાસ મારતા મોઢામાંથી વારેવારે સંભળાતી લવરીના સૂચક શબ્દો સહુ કાન માંડીને સાંભળતાં રહ્યાં :

‘એ જ લાગનો હતો શાદૂળિયો... સમજે છે શું એના મનમાં ?... ફટાયો થઈને ફાટ્યો ફાટ્યો ફરતો’તો તે લેતો જા હવે !...’

આખી રાત ઠુમરની ખડકીમાં ગામની સ્ત્રીઓ જાગતી બેઠી રહી અને સંતુના કહેવાતા અપરાધ ઉપર પોતપોતાના ચુકાદાઓ સંભળાવતી રહી.

સવારમાં ફોજદારે આવીને પંચક્યાસ કર્યો. માંડણને ગડદાપાટુ મારીને જાગ્રત કર્યો અને એની જુબાની નોંધી.

ફોજદારના પગરખાની એક લાત પડતાં જ માંડણ ફરી શૂધમાં આવી ગયો અને પુછાતા પ્રશ્નોના સ્વબચાવમાં એણે પહેલું જ વાક્ય નોંધાવ્યું :