પૃષ્ઠ:Liludi Dharti2.pdf/૨૮૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૭૦
લીલુડી ધરતી-૨
 

 તો બેવડાં પુન્યનું કામ છે. એકને સાટે બે જીવને જીવતદાન જડે એમ છે. છોકરીને મોતના મોઢામાં મેલી આવ્યાં’તાં, એને ઉગારી લીધાનું પુણ્ય જડશે, ને બીજું એક વાંકગના વિનાની એની જનેતાની એબ ઢંકાશે... એને ઉઝેરવામાં સંતુનો જીવ પરોવાશે તો એનું જીવતર સુધરશે...’

***

સંતુને હૈયે હરખ માતો નથી. નાનકડી જડીને એ અછો અછો વાનાં કરે છે. દિવસ ને રાત એનાં લાલનપાલનમાં જ મશગૂલ રહે છે; એને મન તો આ પોતાની જ ખોવાયેલી પુત્રી પાછી મળી છે. ‘જડી’ની જનેતા પોતે નહિ પણ બીજી કોઈ છે, એ હકીકત જ એ સ્વીકારવા તૈયાર નથી.

માંડણ તો પોતાની સગળી માલમિલકત આ નાનકડી ‘જડી’ને અર્પણ કરીને છાનોમાનો ગામમાંથી નીકળી ગયો હોવાથી સાચી હકીકતથી સંતુ અજાણ જ છે. આ ‘જડી’નું રહસ્ય હાદા પટેલ, ઊજમ ને વખતી સિવાય બીજું કોઈ જાણતું નથી. સંતુની મા હરખ પણ અક્કલની જરા ઓછી હોવાથી ઊજમે એને સાચી વાત ન કહેવાનું જ મુનાસિબ માન્યું છે. નથુસોનીને અરધોપરધો વહેમ ગયો છે, અને અરધુંપરધું એ જાણ્યું–ન જાણ્યું કરે છે.

અને સંતુએ તો પોતાની ફળેલી માનતા બદલ છત્તર ઘડાવવાની માગણી મૂકી.

આ માગણીનો અમલ કર્યા વિના હાદા પટેલને છૂટકો જ નહોતો.

ઊજમે આ દુકાળ વરસમાં એક પછી એક દાગીના ભંગાવી નાખ્યા પછી વધેલી એક હાંસડી હોંશભેર કાઢી આપી અને હાદા પટેલ એ લઈને નથુ સોનીની દુકાને ગયા.

સંતુ નથુ સોનીને સૂચના આપી આવી : સારીપટ મોટું છત્તર ઘડજો, જરા ય લોભ ન કરતા. મને માંડ કરીને મારી છોકરી જડી છે—’