પૃષ્ઠ:Liludi Dharti2.pdf/૨૮૩

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
કોરી ધાકોર ધરતી
૨૭૩
 

 જમાડીને વિદાય કરી દીધા અને તુરત તો કશો અજુક્તો બનાવ બન્યો નહિ; છતાં જીવાના પેટમાં જે ફડક પેસી ગયેલી એ હજી ય પૂરી દૂર થઈ નહોતી.

તેથી જ તો, સંતાન પ્રાપ્તિની ખુશાલીમાં માનતા પૂરી કરવા માટે સંતુએ જ્યારે નથુસોનીનું જ ઘડેલું છત્તર સતીમાના ફળા ઉપર ઝુલાવ્યું અને જીવા ખવાસે પેટે બળતાં ઠકરાણાંને સમાચર આપ્યા કે ‘કણબીની સંતુડીએ તો આપણે ચડાવ્યું’તું ઈ છત્તર કરતાં ય દોઢેરું મોટું છત્તર ચડાવ્યું,’ ત્યારે સમજુબા વધારે સમસમી રહ્યાં.

ઠકરાણાંની આ ઈર્ષાના મૂળમાં પેલા છત્તરનું દોઢું કદ જ જવાબદાર નહોતું; એ ઈર્ષાગ્નિનાં મૂળ તો અદકેરાં ઊંડાં ને એથીય અદકેરાં સૂક્ષ્મ હતાં.

***

ભાંગેલી ઠકરાતનાં આ ઠકરાણાં પોતાની રાંકડી રૈયતનાં સૌભાગ્ય સાથે પોતાનું સૌભાગ્ય સરખાવી રહ્યાં હતાં. રૈયતની એક એક વ્યક્તિ એમની નજર સામે આવતી હતી અને પોતા કરતાં એ કેટલી વધારે નસીબદાર છે એની તુલના થઈ જતી હતી. ગિધાની વહુ ઝમકુ કેવી નસીબદાર કે પોતાને અણગમતા ધણીને પનારેથી છૂટીને મનગમતા માણસના ઘરમાં બેસી ગઈ ! અમથી સુથારણ કેવી નસીબદાર કે મલક આખો ખૂંદીને પાતાળ ફોડીને ય પોતાના ગિરજાને ગોતી કાઢ્યો ને સરેધાર એને દીકરો થાપીને બેસી ગઈ ! અરે, આ જુસ્બા ઘાંચી જેવા ઘાંચીની ઘરવાળી એમણા ય કેવી નસીબદાર છે !...અને સંતુ ?...

એ જ તો આ ઈર્ષાગ્નિના મૂળમાં છે. ઘડીભર તો ઠકરાણાંને થઈ આવ્યું કે સંતુને સ્થાને આજે હું હોત તો આજે કેટલી સુખી હોત ! સંતુનો ધણી કમોતે મરી ગયો, પણ એણે એ મૃત્યુ છુપાવવું