પૃષ્ઠ:Liludi Dharti2.pdf/૨૮૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
કોરી ધાકોર ધરતી
ર૭૭
 

 વખાનો માર્યો ટહેલ નાખવા આવ્યો છે કે પછી છૂપી પોલીસના ખાતામાંથી કોઈ વેશપલટો કરીને ગામમાંથી કશી ગુપ્ત બાતમીઓ મેળવવા આવ્યો છે ?

ટહેલિયો બાપડો સાત સાત ડગલાં ભરતો દરબારની ડેલીએ પહોંચ્યો ત્યારે ઠકરાણાંએ એને દૂરથી જ જાકારો દઈને પાછા કાઢ્યો ત્યારે તો લોકોને પણ આ યાચકની સચ્ચાઈ અંગે થોડી શંકા આવી.

‘આ દુકાળ વરહમાં માગણ ઝાઝાં !’

‘ટહેલને નામે આંગણે ફરીને હંધું ય ભાળી જાય, ને રાત્ય પડ્યે ખાતર પાડે.’

‘કોને ખબર છે, આ ટેલિયો હશે કે પછી કો’ક વેશધારી હશે ?’

અને એક વાર તો ખુદ જીવા ખવાસે જ આ બ્રાહ્મણને રામ ભરોસે હોટેલ નજીક હડધૂત કર્યો અને મભમ રીતે સૂચવ્યું કે તું ટહેલિયો નથી પણ ચોર છે, ત્યારે તો ઘણા શ્રદ્ધાળુઓની શ્રદ્ધા પણ ડગમગવા લાગી.

અને છતાં ખુદ ટહેલિયાની શ્રદ્ધા તો અગાઉના જેટલી જ દૃઢ રહી. એને ઊંડી આસ્થા હતી કે આજે નહિ તો આવતી કાલે પણ કોઈ હરિનો લાલ મારી ટહેલ પૂરી કરશે જ.

અને એ અડગ શ્રદ્ધાથી તો એણે પોતાને વિષેની લોકવાયકાઓને અવગણીને વરસાદ અંગેની આગાહીઓ, વર્ષફળ, ફળાદેશ વગેરે પણ કહેવા માંડ્યાં. રાત પડે ને ચોરા પર કેટલાક ભાવુક ભેગા થાય ત્યારે એ અલકમલકની વાતો કરતો અને એમાં એક દિવસ એણે આવતી સાલનો વર્તારો પણ રજૂ કર્યો, કે ગયું વરસ નપાણિયું ને દુકાળિયું ગયું છે, એટલે હવે આ વર્ષે વરસાદ વહેલો થાશે ને એટલે બધો વરસશે કે કદાચ ભીનિયું પણ થઈ જાય.

ટહેલિયાની પોતાની આપવીતી કરતાં આ આગાહીમાં લોકોને વધારે રસ પડ્યો. કેટલાંક પ્રાદેશિક પક્ષીઓનાં વહેલેરાં સ્થળાંતર પરથી પણ વહેલેરા વરસાદની આગાહીને સમર્થન મળી રહ્યું, તેથી