લખાણ પર જાઓ

પૃષ્ઠ:Liludi Dharti2.pdf/૨૮૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૭૮
લીલુડી ધરતી-૨
 

 તો ઘણા અશ્રદ્ધાળુઓને પણ આ બ્રાહ્મણમાં શ્રદ્ધા જાગી.

હાદા પટેલ આ વાત સાંભળી આવ્યા અને એમણે બીજે જ દિવસે ખેતરની કોરી ધાકોર ધરતી પર નજર નાખી. ઊજમને અને સંતુને વાત કરી અને ઝટઝટ ખેડાણ પતાવી નાખીને બિયારણ તૈયાર રાખવાની સૂચના કરી. પોતાને તો હવે આંખે મોતિયો આવ્યો હોવાથી બધો આધાર સાથી ઉપર રહેતો હતો; અને કમનસીબે, દશેરાને દહાડે જ ઘોડું ન દોડે એમ ખેતરનાં કામકાજને ખરે ટાણે જ સાથી ઝઘડો કરીને ચાલ્યો ગયો, તેથી હાદા પટેલની મૂંઝવણ વધી.

ઊજમે કહ્યું : ‘એમાં મુંઝાવ છો શું કામે ને ? અમારા દેરાણી–જેઠાણીના હાથપગ કાંઈ ભાંગી નથી ગ્યા !’

સંતુએ પણ પોતાની મૂક સંમતિથી આમાં સૂર પુરાવ્યો.

પોતાને એક આંખે ઝામર અને એક આંખે મોતિયો હોવાથી ખેડનો બધો જ ભાર ઊજમ–સંતુ શી રીતે ઉપાડી શકશે એની હાદા પટેલને ચિંતા થવા લાગી. એમણે માંડ માંડ કરીને એક ઊભડ ખેડૂતને શોધી કાઢ્યો. એનું વરસનું મહેતાણુ ને બે જોડી કપડાંનું ઠરાવ્યું ને પગરખાંની જોડીનું પરમાણું પણ નાખી દીધું. વળતી સવારથી એણે ખેતરે જવું એમ નક્કી થયું. પણ રાતે એ નવો સાથી ‘રામભરોસે’માં ચા પીવા ગયો અને જીવા ખવાસે એને કોણ જાણે કેવી ય ભંભેરણી કરી કે પછી કશોક ભય બતાવ્યો કે પેલો ગુપચુપ ગામ બહાર ચાલ્યો ગયો. અને પછી મોઢું જ ન બતાવ્યું.

પણ ટહેલિયા બ્રાહ્મણની વહેરા વરસાદની આગાહી સાંભળ્યા પછી ઊજમ–સંતુ કોઈ સાથીની રાહ જોઈને બેસી રહે એમ નહોતાં. સીમમાં સહુનાં ખેતરોની કોરી ધાકોર ધરતી ઉપર ચાસ પડવા શરૂ થઈ ગયા હતા તેથી ઊજમે પણ હળ જોડ્યું.

આ વખતે તો, જડીને બક્ષિસ રૂપે મળેલું માંડણનું ખેતરે પણ ખેડવાનું હોવાથી કામ બમણું થઈ ગયું હતું. હાદા પટેલે સૂચન કર્યું કે ટીહા વાગડિયાને સાથી તરીકે રાખી લઈએ, પણ ઊજમે