પૃષ્ઠ:Liludi Dharti2.pdf/૨૯૨

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૮૨
લીલુડી ધરતી-૨
 

 ઘરડેરાઓએ ખાસ પાદરમાં જઈને કલેન્દુની કલા નીરખી હતી, અને દિનપ્રતિદિન વૃદ્ધિ પામતા જતા એ ચંદ્રનું ઝીણવટથી અવલોકન કરીને અભિપ્રાય આપ્યો હતો : ચાંદામાં જળ ભર્યું છે,

‘ટેલિયા ભામણની વાત સાચી લાગે છે. ઓણ સાલ વહેલો વરસશે—’

×××

અને જે રાતે એ જળ ભર્યો પૂનમનો ચંદ્ર જળકુંડાળા વચ્ચે આકાશમાં ઊગ્યો એ રાતે અસહ્ય ઊકળાટ થયો. જાણે કે ચારે ય દિશાના વા થંભી ગયા. વાતાવરણમાં ભઠ્ઠી સળગી હોય એવો બફારો થવા લાગ્યો. પીપળાનું પાંદડું પણ હલે નહિ એવા અસહ્ય ઊકળાટમાં આમતેમ પડખાં ફેરવી રહેલા હાદા પટેલને કાને ભૂતેશ્વરમાંથી ભજનની સુરાવટ આવી. સામટા દસવીસ ભજનિકોનું એ સમૂહગાન ઓચિંતુ ક્યાંથી આવી પડ્યું, એ એમને પ્રશ્ન થયો.

સંતુએ સમાચાર આપ્યા : ‘દુદા ભગાની વાડીએથી આજ સાંજકના ખાખીની જમાત આવી છે. ભૂચર મોરીને મેળે જાવા નીકળી છે, ને ભૂતેસરમાં રોકાણી છે;

ધોળી દૂધ જેવી ચાંદનીમાં એવા જ શીળા ને શાતાદાયક ભજનબોલ સંભળાઈ રહ્યા :

‘માતા કહીએ રે જેણી પારવતી
ને પિતા શંકર દેવા…
ભાઈ રે મારા…
દોયલી વેળાના દેવને
સમરીએ હોજી…’

હાદા પટેલના કાનમાં વર્ષોજૂનાં ગણપતિસ્મરણ ગુંજી રહ્યાં.

ઊજમ અને સંતુના સંતપ્ત ચિત્તને ભજનવાણી શાતા અર્પી રહી.